દારુના નશામાં ધૂત થઈ મુંબઈમાં વિસ્ફોટોની ધમકી આપી દીધી
- નવી મુંબઈના કોપરખૈરણેના યુવકનું પરાક્રમ
- પોલીસ કન્ટ્રોલ રુમમાં વહેલી પરોઢે આવેલા કોલને પોલીસે તરત જ ટ્રેસ કરી લીધો
મુંબઈ : નવી મુંબઈમાં દારુના નશામાં ધૂત ૩૪ વર્ષીય યુવકે પોલીસ કંટ્રોલ રુમમાં કથિત રીતે ફોન કરીને મુંબઈમાં શ્રેણીબદ્દ બોમ્બ વિસ્ફોટની ધમકી આપી હતી. પોલીસે આને ગંભીરતાથી લેતા તપાસ હાથ ધરી હતી. જો કે, બોમ્બ બ્લાસ્ટની ધમકી ખોટી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આ મામલે યુવક સામે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં દારુના નશામાં ધૂત ૩૪ વર્ષીય એન્થોની ડાયસે નવી મુંબઈ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરીને આ ધમકી આપી હતી.
જેમાં આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થવાના છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જો કે, આ બોમ્બ બ્લાસ્ટની ધમકી ખોટી હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના બાદ પોલીસે કોપરખૈણે વિસ્તારમાં આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ નંબર ટ્રેસ કર્યો હતો અને આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, કોલ કરતી વખતે આરોપી દારુના નશામાં ધૂત હતો. તેથી તેણે માત્ર તોફાન કરવાના હેતુથી આ ધમકી આપી હતી. જો કે, મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ મામલે એન્થોની સામે ભારતીય ન્યાય સંહિતાના પ્રોહિબિશેશન એક્ટ અને કલમ ૨૧૭ (જાહેર સેવકને તેની કાયદેસરની સત્તાનો ઉપયોગ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવવા માટે હેતુથી ખોટી માહિતી આપવી) હેઠળ કેસ નોંધ્યો હતો. જો કે, આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.