Get The App

મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ ડ્રગ ફેક્ટરી મળીઃ 10 કરોડનું ડ્રગ જપ્ત

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ  ડ્રગ ફેક્ટરી મળીઃ 10 કરોડનું ડ્રગ જપ્ત 1 - image


નાશિકમાં ડ્રગના સપ્લાય માટે સોલાપુરમાં શરુ કરાઈ હતી

મુંબઇ :  નાશિક પોલીસે સોલાપુર એમઆઇડીસીમાં છાપો મારી એમડી ડ્રગ્સ બનાવતી એક ફેકટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ફેકટરીમાંતી ૧૦ કરોડ રૃપિયાનો એમડીનો જથ્થો જપ્ત કરવાની સાથે જ ડ્રગ્સ બનાવવાનો અમૂક કાચો માલ પણ જપ્ત કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીને લીધે નાશિકમાં ડ્રગ્સના પુરવઠા માટે ઠેઠ સોલાપુરમાં ડ્રગ્સ ફેકટરી ખોલવામાં આવી હોવાની બાબત સામે આવી હતી.

મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આવી ફેક્ટરીઓ ધમધમતી હોવાની શંકાઃનાશિકની તપાસમાંથી ભાળ મળી

આ બાબતની પોલીસ તપાસમાં એવી વિગત સામે આવી હતી કે સામનગાવ એમડી પ્રકરણના શકમંદ સની પગારેએ એક સાથીદારની મદદથી સોલાપુરમાં ડ્રગ્સ ફેકટરી શરૃ કરી હતી. ત્યારબાદ પોલીસે સની પગારેના એ સાથીદારને પણ પકડી પાડયો હતો. નાશિકના સામનગાવ વિસ્તારમાંથી પોલીસે સપ્ટેમ્બર મહિનાના ૧૨ ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક તરુણની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે આ ઘટનાના મૂળ સુધી પહોંચી એમડી બનાવતી ફેકટરી પર છાપા માર્યા હતા. સામનગાવમાં થયેલી કાર્યવાહી બાદ પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતા મળેલી વધુ માહિતીને આધારે એક ટીમને સોલાપુર રવાના કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે સોલાપુર એમઆઇડીસીના ડ્રગ્સ બનાવતી ફેકટરી પર ધાડ પાડી આ ફેકટરીને સીલ કરી નાંખી હતી. નાશિકના  શકમંદોની મદદથી આ ફેકટરી શરૃ કરવામાં આવી હોવાથી મહારાષ્ટ્રમાં હજી કોઇ બીજા શહેરમાં પણ આ પ્રકારની ચેન ચાલી રહી છે કે નહીં તેની તપાસ પોલીસે આદરી છે.

આ બાબતની પોલીસ તપાસમાં એવું સ્પષ્ટ થયું હતું કે ડ્રગ્સ માફિયા લલિત પાટિલની જેમ સની પગારે પણ ડ્રગ્સ માફિયા બનવાના સપના જોતો હતો અને તે માટે તેણે એક સાથીદારની મદદથી સોલાપુરમાં ડ્રગ્સ ફેકટરી શરૃ કરી હતી. નાશિક પોલીસે  બે દિવસ પહેલા સની પગારે અને પિવાલ નામના શકમંદના ઘરની ઝડતી લીધી હતી. આ સમયે પગારેએ એક ઓરડીમાં સાત કિલો એમડીનો જથ્થો સ્ટોક કર્યો હતો જે પોલીસે જપ્ત કર્યોહતો. ત્યાર બાદ સોલાપુરની ડ્રગ્સ ફેકટરીની વિગત સામે આવી હતી.

સોલાપુર ફેક્ટરીનો આરોપી હેદરાબાદથી ઝડપાયો

'ડૉકટર' તરીકે ઓળખાતો વનમાળી ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઇન્ડ હોવાની આશંકા

મુંબઇ પોલીસે સોેલાપુર ડ્રગ્સ ફેકટરી પ્રકરણે વધુ તપાસ હાથ ધરી એક આરોપીને હૈદરાબાદથી પકડી પાડયો હતો. 

મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીનું નામ કૈલાસમ વનમાલી (૫૮) હોવાનું અને તે હૈદરબાદના ગંધમગુડા વિસ્તારની કિસ્તાર્ડી કોલોનીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તેને તાબામાં લઇ વધુ પૂછપરછ માટે મુંબઇ લઇ આવી છે.

'ડૉકટર' તરીકે ઓળખાતો વનમાળી ડ્રગ મેન્યુફેકચરીંગ રેકેટનો માસ્ટર માઇન્ડ હોવાની પોલીસને શંકા છે. સોલાપુરની ડ્ગ્સ ફેકટરી પર છાપા માર્યા બાદ બે આરોપીની પૂછપરછમાં વનમાળીનું નામ બહાર આવ્યું હતું. પોલીસે વનમાળીના સીડીઆર ચેક કરતા તે સોલાપુર, હૈદરાબાદ, ઝહીરાબાદ બિદર અને તિરુપતી જેવા શહેરમાં આવજા કરતો મળી આવ્યો હતો. અંતે પોલીસે ભારે જહેમત બાદ તેને હૈદ્રાબાદથી પકડી પાડયો હતો.



Google NewsGoogle News