એડનના અખાતમાં વધુ 1 વિદેશી જહાજ પર ડ્રોન એટેકઃ ભારતીય નેવી મદદે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
એડનના અખાતમાં વધુ 1 વિદેશી જહાજ પર ડ્રોન એટેકઃ ભારતીય નેવી મદદે 1 - image


હૂથી બળવાખોરોના એટેકમાં વિદેશી જહાજમાં આગ લાગી

ડિસ્ટ્રેસ કોલ મળતાં ગાઈડેડ મિસાઈલથી સજ્જ આઈએઅનએસ વિશાખાપટ્ટનમ તરત મદદે ધસ્યુઃ  જહ્જ પરના 9 ભારતીય સહિત ૨૨ ક્રૂ મેમ્બર સલામત

મુંબઇ  : એડનના અખાતમાં ફરી હૂથી બળવાખોરોએ એક વિદેશી વ્યાપારી જહાજ પર હુમલો કરતાં ભારતીય નેવીનું ગાઈડેડ મિસાઈલથી સજ્જ આઈએનએસ વિશાખાપટ્ટનમ તેની મદદે ધસ્યું હતું. જહાજ પરના ૯ ભારતીય સહિત તમામ ૨૨ કર્મચારીઓ સલામત હોવાનું સંરક્ષણ ખાતાએ જણાવ્યું હતું. ડ્રોન એટેકના કારણે આ જહાજ પર આગ લાગી હતી. 

ગઇ મોડી રાત્રે ૧૧ વાગ્યાના સુમારે એમ.વી. જેન્કો પેકાર્ડી નર્ના માર્શલ આઈલેન્ડનો ફલેગ ધરાવતાં  વિદેશી મર્ચન્ટ શિપ ઉપર યમનના હૂથી બળવાખોરો દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટકને લીધે જહાજના એક પડખામાં આગ લાગી ગઇ હતી. આથી જહાજના કેપ્ટને મદદ માટેનો સંદેશ (ડિસ્ટ્રેસ કોલ) વહેતો કર્યો હતો.

એ વખતે અરબી સમુદ્રમાં એન્ટી- પાયરસી ડયુટી કરી રહેલા ગાઇડેડ મિસાઇલથી સજ્જ ડિસ્ટ્રોયર આઇએનએસ વિશાખાપટ્ટનમ આ કોલ મળતાની સાથે જ નિર્ધારિત સ્થળે ધસી ગયું હતું. તરત જ ભારતીય યુદ્ધ- જહાજના અફસરો ડ્રોન હુમલાનો ભોગ બનેલા જહાજ ઉપર ગયા હતા અને હુમલાને લીધે કેટલું નુકસાન થયું છે તેનો તાગ મેળવ્યો હતો. સદ્ભાગ્યે આગ તરત જ બુઝાવી નાખવામાં આળી હોવાથી જોખમ ટળ્યું હતું. જહાજ પરના ૯ ભારતીય સહિત ૨૨ કર્મચારી અને ખલાસી હેમખેમ છે જેની ખાતરી કરી હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં ચાંચિયાઓની હાજરી નથી તેની પૂરેપૂરી ખાતરી કરીને પછી વિદેશી જહાજને આગળ વધવાનો સંકેત આપ્યો હતો. આથી આ જહાજ ભારતની દિશામાં આગળ વધ્યું હતું.

ચાંચિયાઓના હુમલા તેમજ હૂથી બળવાખોરોના હુમલાના વધતા જતા જોખમને લીધે દરિયાઇ વ્યાપારના મહત્વના રૃટ ઉપર ભારત સહિત અન્ય દેશોના નૌકાદળોએ પોતાના યુદ્ધ- જહાજોનો પહેરો ગોઠવ્યો  છે. 

ભારતીય નેવીના જણાવ્યા અનુસાર ડિસ્ટ્રેસ કોલ મળ્યા પછી આઈએનએસ વિશાખાપટ્ટનમ તરત જ એડનથી દક્ષિણ પૂર્વમાં ૭૦ નોટિકલ માઈલના અંતરે આ વિદેશી જહાજ સુધી પહોંચ્યું હતું. ભારતીય નૌકાદળને   બુધવારે રાતે ૧૧.૧૧ કલાકે ડિસ્ટ્રેસ કોલ મળ્યો હતો. તે પછી રાતના સાડા બાર વાગ્યે ભારતીય નેવી આ જહાજની મદદે પહોંચી હતી. 

આઈએનએસ વિશાખાપટ્ટનમના  ભારતીય નેવીના વિસ્ફોટકોનો નિકાલ કરવામાં નિપુણતા ધરાવતી ટીમ વિદેશી જહાજ પર ઉતરી હતી અને ડ્રોન એટેકથી થયેલા હુમલાનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચકાસણી કર્યા બાદ જ આ જહાજને આગળ વધવા માટે સલામત જાહેર કરાયું હતું. 

આ જહાજ પર હુમલો કેવાં ડ્રોનથી થયો તે વિશે ભારતીય નેવીએ ખાસ માહિતી આપી નથી. જોકે, વિદેશી મીડિયાના અહેવાલોના જણાવ્યા અનુસાર અમેરિકાની માલિકીના જેન્કો પિકાર્ડી પર બોમ્બ ધરાવતાં ડ્રોન ત્રાટક્યાં હતાં. નજીકના ભૂતકાળમાં અમેરિકી માલિકીનાં માલવાહક જહાજ પર હૂથી બળવાખોરો દ્વારા ડ્રોન હુમલાનો આ બીજો બનાવ છે. 

રેડ સી, ઉત્તર અબર સાગર તથા મધ્ય અરબ સાગરમાં છેલ્લા ૪૦થી ૪૨ દિવસમાં  ઈઝરાયેલની માલિકીના અથવા તો તેની સાથે નાતો ધરાવતાં વ્યાપારી જહાજો પર ૩૫ ડ્રોન એટેક થઈ ચૂક્યા છે. 

હજુ ગઈ તા. ૨૩મી ડિસેમ્બરે અરબ સાગરમાં એમટી કેમ પ્લુટો નામના વિદેશી જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. ત્યારે પણ ભારતીય નૌકાદળ તેની મદદે ધસ્યું હતું. આ જહાજને બાદમાં ભારતીય નેવી તથા કોસ્ટ ગાર્ડની દોરવણી હેઠળ મુંબઈ લાવવામાં આવ્યું હતું.



Google NewsGoogle News