નવી મુંબઇમાં ટ્રક ચાલકોનું આંદોલન હિંસક બન્યું : પોલીસ પર પથ્થરમારો, લાકડીથી મારપીટ
પોલીસે 50થી વધુ ડ્રાઇવરને તાબામાં લીધા
મુંબઇ : નવી મુંબઇમાં નવા મોટર વ્હીકલ એકટના વિરોધમાં ટ્રક ડ્રાઇવરોનું આંદોલન હિંસક બન્યું હતું. તેમણે પોલીસ પર હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. પોલીસને લાકડીથી માર મારવામાં આવ્યો હતો. આ મામલામાં વધુ પોલીસની ટીમ બોલાવીને ૫૦થી વધુ ટ્રક ડ્રાઇવરને પકડીને જરૃરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નવી મુંબઇથી જેએનપીટી રોડ પર કોંબડભુજે ગામ નજીક ટ્રક ચાલકો નવા મોટર વ્હીકલ એકટ સામે વિરોધ કરી રહ્યા હતા. તેમણે ૧૧.૩૦થી ૧૨ વાગ્યા દરમિયાન શાંતિપૂર્ણ આંદોલન કર્યું હતું.પોલીસે ટ્રકને રોડ પરથી હટાવીને ટ્રાફિક હળવો કર્યો હતો. પરંતુ પછી બપોરે ૧૨.૩૦ વાગ્યે અમૂક ટ્રક ચાલકે ફરીથી રસ્તારોકો કરવાનો પ્રયાસ શરૃ કર્યો હતો.
પોલીસે તેમને સમજાવવાનો પ્રપયત્ન કર્યો હતો ત્યારે ડ્રાઇવરોએ પોલીસ પર પથ્થરમારો કરી લાકડીઓથી તેમને માર મારવામાં આવ્યો હતો. કેટલાક ટ્રક ચાલકોએ અન્ય કારના કાચ તોડી નાખ્યા હતા. જેના લીધે પરિસ્થિતિ ગંભીર બની ગઇ હતી.
એનઆરઆઇ પોલીસે માહિતી આપી હતી કે આ હુમલા બાદ ઘટનાસ્થળે સુરક્ષા માટે વધુ પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસે હળવો લાઠીચાર્જ કરી ૫૦થી વધુ ટ્રક ડ્રાઇવરને તાબામાં લીધા હતા.
મુંબઇ- અમદાવાદ હાઇવે પર પોલીસની ગાડીની તોડફોડ
મુંબઇ- અમદાવાદ હાઇવે પર ચિંચોટી ખાતે આંદોલન કરનારા ટ્રક ડ્રાઇવર આક્રમક બન્યા હતા. તેમણે રસ્તા રોકો કરતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
જેના કારણે અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આંદોલનકર્તાઓને સમજાવવા ગયેલા નાયગાવ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓના વાહન પર તેમણે પથ્થરમારો કર્યો હતો. આથી પોલીસની ગાડીના કાચ તૂટી ગયા હતા. આ આંદોલનને કારણે થોડા સમય માટે હાઇવે પર તંગદિલી સર્જાઇ હતી. ટ્રાફિક અને નાયગાવ પોલીસે આંદોલનકર્તાને પકડીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.