Get The App

વિક્રોલીમાં ડૉ. આંબેડકર હોસ્પિટલમાં આગ આઇસીયુમાંથી છ દર્દી શિફ્ટ કરાયા

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
વિક્રોલીમાં ડૉ. આંબેડકર હોસ્પિટલમાં આગ  આઇસીયુમાંથી છ દર્દી શિફ્ટ કરાયા 1 - image


- રાતે પોણા બે કલાકે આગ લાગતાં દોડધામ મચી

- શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની શંકા ઃ બે દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા

મુંબઈ : વિક્રોલીમાં મહાનગર પાલિકા સંચાલિત એક હોસ્પિટલમાં ગઇકાલે રાતે આગ ફાટી નીકળી હતી. જેના પગલે ઇન્ટેન્સિવ કીટ યુનિટ (આઇસીયુ)માંથી  છ દર્દીને ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નહોતી. જોકે હોસ્પિટલના સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. છમાંથી બે દર્દીને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું કહેવાય છે. પોલીસે મામલાની નોંધ લઇ આગનું ચોક્કસ  કારણ જાણવા વધુ તપાસ આદરી છે.

વિક્રોલી (પૂર્વ) સ્થિત ટાગોરનગર ગુ્રપ-૭ ખાતે ત્રણ માળની ડૉ. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલ છે. આ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોર પરના આઇસીયુ વોર્ડમાં એર સકશન મોટરના મુખ્ય કેબલમાં ગઇકાલે રાતે ૧.૪૭ વાગ્યે આગ લાગી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આગના લીધે સર્વત્ર ધુમાડો ફેલાઇ ગયો હતો. દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડયો હતો. રાત્રીના સમયે હોસ્પિટલમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના સ્ટાફને આગની જાણ થતા તેમણે તાત્કાલિક ફાયરબ્રિગેડને ઘટનાની માહિતી આપી હતી.

ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે ધુમાડા અને આગને કાબૂમાં લીધી હતી.

દરમ્યાન સાવચેતીના પગલા તરીકે ડૉકટરોની હાજરીમાં આઇસીયુ વૉર્ડમાંથી છ દર્દી શિવાજી ઢેલે (ઉ.વ.૬૫), વિમલ તિવારી (ઉ.વ.૬૦), યશોદા બાઇ રાઠોડ (ઉ.વ.૫૮), કાંતાપ્રસાદ નિર્મળ (ઉ.વ.૭૫), અરુણા હરીભગત (ઉ.વ.૬૪), સુનિતા ગોકસે (ઉ.વ.૨૩)ને  હોસ્પિટલના કેઝયુઅલ્ટી વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ડૉકટર અને સ્ટાફે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

એમાંથી શિવાજી ઢેલે અને વૃદ્ધા વિમલ તિવારીને અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા તે સમયે જ તેમની તબીયત નાજુક હતી આથી તેમને વધુ સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા હતા.

સદ્નસીબે આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. આજે સવારે ૨.૨૫ વાગ્યે આગ ઓલવાઇ ગઇ હતી. આમ ફાયરબ્રિગેડે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. નોંધનિય છે કે  મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં અગાઉ અનેક વખત હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બન્યા છે એમા  માસૂમ બાળકો સહિત અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. ત્યારબાદ હોસ્પિટલોની તપાસણી પણ કરવામાં આવી હતી.



Google NewsGoogle News