ડો. અજય તાવરેએ અગાઉ લિંગ પરીક્ષણ રિપોર્ટમાં પણ ચેડાં કર્યાં હતાં
પુણે કેસમાં ઝડપાયેલા ડો. તાવરે સામે નિવૃત્ત કસ્ટમ કમિશનરનો આરોપ
પતિ સાથે સંબંધ બાંધવાની ના પાડનારી પત્ની ખરેખર તો પુરુષ તરીકે જન્મી હતી તેવો સાસરિયાંનો આરોપ હતો, ડોક્ટરે તેને સ્ત્રી જ ઠેરવી હતી
મુંબઈ : એક નિવૃત્ત કસ્ટમ કમિશનરે આરોપ મૂક્યો છે કે પૂણેમાં પોર્શ ક્રેશ કેસમાં ધરપકડ કરાયેલા ડો .અજય તાવરેએ પાંચ વર્ષ પહેલાં વૈવાહિક વિવાદમાં તેમની ભૂતપૂર્વ પુત્રવધૂના જેન્ડર (લિંગ પરીક્ષણ) રિપોર્ટમાં છેડછાડ કરી હતી.
સૂન જનરલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો .તાવરે અને અન્ય બેની આ સપ્તાહની શરૃઆતમાં ધરપકડ કરવામાં આવી હતી.
પુણેના કલ્યાણી નગરમાં પોર્શે કાર મોટરબાઈક સાથે અથડાવીને હત્યા કરવાના સગીર આરોપીના લોહીના નમૂનાની કથિત અદલાબદલી પ્રકરણે ડો .તાવરે અને અન્ય બેની પોલીસ ધરપકડ કરી હતી.
ગુરુવારે પીટીઆઈ સાથે વાત કરતા, નિવૃત્ત અધિકારીએ દાવો કર્યો હતો કે ડાક્ટરે તેમની વિમુખ પુત્રવધૂના લિંગ પરીક્ષણ રિપોર્ટ સાથે ચેડાં કરવામાં ભૂમિકા ભજવી હતી.
તેમણે તાવરે અને અન્યો વિરુદ્ધ મેડિકલ કાઉન્સિલ આફ ઈન્ડિયા તેમજ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, એમ તેમણે જણાવ્યું હતું.
કસ્ટમ અધિકારીના પુત્રના લગ્ન ૨૦૧૩માં થયા હતા, પરંતુ તેની પુત્રવધૂએ તેના પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હતી.
જ્યારે તેના જન્મસ્થળ ઔરંગાબાદ (હવે છત્રપતિ સંભાજીનગર) ખાતે તેનો તબીબી ઇતિહાસ અને જન્મ પ્રમાણપત્ર તપાસ્યું, ત્યારે અધિકારીએ શોધી કાઢયું કે તે ૧૯૮૪માં એક પુરુષ તરીકે જન્મી હતી. દસ વર્ષ પછી, મ્યુનિસિપલ કોર્પોરેશને તેનું જેન્ડર †ી તરીકે દર્શાવતું નવું જન્મ પ્રમાણપત્ર બહાર પાડયું હતું.
પુત્રવધૂએ પરિવાર વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો અને મામલો અંધેરીની કોર્ટમાં પહોંચ્યો હતો.
૨૦૧૮માં કોર્ટે મહિલાનું લિંગ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. તે પુણેની સાસૂન હોસ્પિટલમાં હાથ ધરવામાં આવ્યું હતું, અને એક તબીબી પેનલ જેમાં ડો . તાવરેનો સમાવેશ થતો હતો, તેણે ફેબુ્રઆરી ૨૦૧૯માં એક અહેવાલ આપ્યો હતો કે તે મહિલા ફેનોટાઇપિકલી અને જીનોટાઇપિકલી †ી હતી , એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ટેસ્ટ પુણેમાં નહીં પણ ઔરંગાબાદમાં થવો જોઈતો હતો અને ડો . તાવરેએ રિપોર્ટમાં છેડછાડ કરી હતી, એમ તેમણે દાવો કર્યો હતો.
જો કાર દુર્ઘટના કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને ટ્રાન્સફર કરવામાં આવશે, તો હું ડો .તાવરે અને અન્યો વિરુદ્ધ તમામ પુરાવા સબમિટ કરીશ, તેવુ ભૂતપૂર્વ કમિશનરે જણાવ્યું હતું.
નોંધનીય છે કે, ૨૦૨૨ માં, કિડની ટ્રાન્સપ્લાન્ટ મંજૂરીઓ સંબંધિત રેકેટ પ્રકાશમાં આવ્યા પછી, મહારાષ્ટ્ર સરકારે પુણે ખાતે પ્રાદેશિક અંગ ટ્રાન્સપ્લાન્ટ અધિકૃતતા સમિતિને સસ્પેન્ડ કરી દીધી હતી, જેમાં ડો . તાવરે સભ્ય હતા.ડો .તાવરે હાલ પુણે પોલીસની કસ્ટડીમાં છે.