ડોન્ટ વરી ! મુંબઈમાં આજકાલમાં કોઈ વાવાઝોડું આવવાનું નથી
અફવાઓનાં વાવાઝોડાં વચ્ચે હવામાન વિભાગે ધરપત બંધાવી
બંગાળના ઉપસાગરમાં રમલ સાયક્લોન સર્જાઈ રહ્યું છે પરંતુ મુંબઈ પર તેની કોઈ અસર નહીં થાય, ભારે વરસાદની પણ હાલ કોઈ શક્યતા નથી
મુંબઇ : મુંબઇમાં ,મુંબઇ નજીકનાં સ્થળોએ, મહારાષ્ટ્રના અમુક હિસ્સામાં આવતા ૪૮ -૭૨ કલાક દરમિયાન સમુદ્રી તોફાન(સાયક્લોન)ની થપાટ નથી વાગવાની. સાથોસાથ ભારે વરસાદ સાથે તોફાની પવન પણ નથી ફૂંકાવાનો. હવામાન વિભાગે આજે એવી સ્પષ્ટતા કરી છે કે છેલ્લા થોડાક દિવસથી મુંબઇમાં સોશિયલ મિડિયામાં એવા સંદેશા અને કેટલાંક અખબારી કટિંગ્ઝ ફરી રહ્યાં છે કે ૨૪ ,૨૫ -મે દરમિયાન મુંબઇને સાયકલોનની પ્રચંડ થપાટ વાગવાની છે. સાથોસાથ મુંબઇ ,મુંબઇ નજીકનાં થાણે,પાલઘર સહિત મહારાષ્ટ્રમાં પણ મુશળધાર વરસાદ વરસશે.તોફાની પવન પણ ફૂંકાશે.
સોશિયલ મિડિયામાં ફરતા આવા મેસેજીસને કારણે મુંબઇનાં નાગરિકોમાં ભય અને ચિંતા ફેલાય તે સ્વાભાવિક છે. સાથોસાથ, અમુક તત્ત્વો પોતાને હવામાન અભ્યાસી અને સ્વતંત્ર હવામાનશાસ્ત્રી હોવાનો દાવો કરીને ૨૦૨૪ની વર્ષા ઋતુના કેરળમાં આગમન, મુંબઇ-મહારાષ્ટ્રમાં આગમન, બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશર અને સાયકલોનને કારણે ચોમાસાને વિપરીત અસર થશે વગેરે જેવી બેજવાબદાર, ખોટી, હવામાનશાસ્ત્રના નિયમોની વિરુદ્ધ આગાહી અને માહિતી પણ ફેલાવતાં હોય છે.
આવાં બેજવાબદાર તત્ત્વોની આવી ખોટી અને પાયાહીન માહિતી ફેલાવવાથી સામાન્ય નાગરિકોમાં અને રાજ્યના ખેડૂતોમાં ભય, ચિંતા ફેલાઇ શકે છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી સચોટ માહિતી આપતાં કહ્યું છે કે ૨૦૨૪ની ૨૨,મે એ બંગાળના ઉપસાગરના પશ્ચિમ-મધ્ય હિસ્સામાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો પ્રેશર) સર્જાયું છે. હવે આજે ૨૪, મે એ આ લો પ્રેશરિ ડિપ્રેશન(તીવ્રતા વધવાથી સ્વરૃપ બદલાયું)માં ફેરવાઇગયું છે. સાથોસાથ,આજે આ ડિપ્રેશન૧૬ કિલોમીટરની ગતિએ ઉત્તર -પૂર્વ(ઇશાન) દિશા ભણી સરક્યું છે.
આ ડિપ્રેશન આવતા ૨૪ કલાક દરમિયાન એટલે કે પચ્ચીસમી મે એ વધુ તીવ્ર બનીને સાયક્લોન(સમુદ્રી ઝંઝાવાત)નું સ્વરૃપ ધારણ કરે તેવી પણ સંભાવના છે. આ સાયક્લોનનું નામ રમલ(રેતી) સૂચવવામાં આવ્યું છે. ત્યારબાદ ૨૬,મેએ રમલ ઉત્તર દિશા તરફ સરકીને વધુ તીવ્ર બનીને સિવિયર સાયક્લોનનું સ્વરૃપ ધારણ કરીને બંગલા દેશના અને બંગાળના સમુદ્રમાં સાગર ટાપુ તથા ખેપુરારા વચ્ચે થઇને પસાર થવાની સંભાવના છે.
આ તમામ કુદરતી પરિબળો અને ગતિવિધિને ધ્યાનમાં રાખીએ તો સૂચિત રમલ સાયક્લોનની કોઇ જ અસર મુંબઇના અરબી સમુદ્ર સુધી થવાની શક્યતા નથી. એટલે આવતા ૪૮ -૭૨ કલાક દરમિયાન મુંબઇ સહિત નજીકના થાણે, પાલઘરમાં નથી મુશળધાર વરસાદ વરસવાનો કે નથી તોફાની પવન ફૂંકાવાનો. મુંબઇનું હવામાન આવતા ચાર દિવસ(૨૫થી૨૮- મે) સૂકું રહેવાની શક્યતા છે.હા, ચોમાસુ ભારતના કેરળના સમુદ્ર કિનારા પર નજીક આવી રહ્યું હોવાથી તેના આગોતરાં પરિવર્તનરૃપે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે.એટલે મુંબઇગરાંને બપોરે ગરમી અને બફારાનો અનુભવ થવાની સંભાવના છે.