મરાઠા આરક્ષણ સામેની અરજીમાં આડેધડ વિનંતીઓ કરશો નહીં : હાઈકોર્ટ
પંચની નિયુક્તિ અને પંચના સભ્યો સામે આરોપો કરતી અરજીઓને લઈ ટિપ્પણી
પંચની બાજુ પણ સાંભળવી જરુરીછે, પંચને પ્રતિવાદી તરીકે સામેલ કરવું કે નહીં એ બાબતે આજે નિર્ણય લેવાશે
મુંબઈ : મરાઠા સમુદાયને આરક્ષણ આપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને પડકારતી અમુક અરજીઓમાં અમુક આડેધડ વિનંતીઓ કરવામાં આવી હોવાની હાઈ કોર્ટે નોંધ કરી હતી.
મુખ્ય ન્યા. ડી. કે. ઉપાધ્યાય, ન્યા. કુલકર્ણી અને ન્યા. પુનીવાલાની બેન્ચે જણાવ્યું હતું કે મુદ્દો ગંભીર છે અને રાજ્યમાં વિશાળ જનસંખ્યાને લાગુ પડે છે અને અરજદારોએ વિનંતીઓ પ્રત્યે સભાન રહેવું જોઈએ.
કોર્ટે તમામ અરજીઓની અંતિમ સુનાવણી શુક્રવારથી શરૃ કરી છે. સોમવારે એક અરજદાર ભાઉસાહેબ પવારે વકિલ મારફત અરજી કરીને અરજીમાં પંચને પક્ષકાર બનાવવાની અરજી કરી હતી.
પંચની નિયુક્તિ અને અરાક્ષણ આપતા કાયદાની યોગ્યતાને પડકારવામાં આવી છે. એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે સરકાર વતી જણાવ્યું હતુંં કે પંચની નિયુક્તિ અને તેના અહેવાલને પડકારવામાં આવ્યો હોવાથી પહેલેથી પંચની બાજુ સાંભળવાનું પોતે કહેતા આવ્યા છે.
અરજદારોએ પંચને સામેલ કરવાનો વિરોધ કરીને દાવો કર્યો હોત કે અરજી કાયદાની બંધારણીય યોગ્યતા સામે છે પંચની બાજુ સાંભળવાની જરૃર નથી.
સરકારી વકિલે ધ્યાન દોર્યું હતું કે પંચના ન્યા. શુક્રેને મરાઠા કાર્યકર્તા કહેવામાં આવ્યા છે અને કેટલાંક વ્યક્તિગત સભ્યો સામે આરોેપ થયા છે.
કોર્ટે નોંધ કરી હતી કે પંચની બાજુ સાંભળવી જરૃરી છે કેમ કે કેટલીક અરજીઓમાં પંચ અને તેના અહેવાલ સામે રાહત માગવામાં આવી છે. આ ગંભીર બાબત છે અને વિનંતીઓ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. કોર્ટે જણાવ્યા અનુસાર મંગળવારે પંચને પ્રતિવાદી બનાવવા અંગેનો નિર્ણય લેવાશે.