રામનવમીમાં શિર્ડી સાઇબાબા મંદિરને 4 કરોડનું દાન
૨૦૦ થી વધુ પાલખીઓ શિર્ડી પહોંચી
રામનવમી ઉત્સવને ૧૧૪ વર્ષ પૂર્ણ - ત્રણ લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા
મુંબઇ - સાઇનગર શિર્ડીમાં તાજેતરમાં જ ત્રણ દિવસના રામનવમી ઉત્સવ વખતે ભક્તો તરફથી સાઇબાબાને ચરણે ૪.૨૬ કરોડનું દાન આપવામાં આવ્યું હતું.
શિર્ડીના સાઇબાબાએ ૧૯૯૧માં રામનવમી ઉત્સવની શરૃઆત કરી હતી. આ વખતે આ ઉજવણીને ૧૧૪ વર્ષ પૂરા થતા ત્રણ દિવસ ભજન-કિર્તન અને ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમથી રામનવમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
ત્રણ દિવસ દરમ્યાન દેશ-વિદેશના ત્રણ લાખથી વધુ ભાવિકો સાઇબાબાના દર્શન માટે ઉમટયા હતા. મહારાષ્ટ્રના ગામેગામથી ૨૦૦ થી વધુ પાલખીઓ લઇને પાલખીયાત્રીઓ પગપાળા શિર્ડી પહોંચ્યા હતા. રામનવમી પ્રસંગે બાબાનું મંદિર ચોવીસ કલાક ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ઉત્સવ બાદ મંદિરની દાનપેટીઓ ખોલવામાં આવી હતી અને દાનમાં આવેલી રકમ ગણવા માટે સંખ્યાબંધ સેવકો કામે લાગ્યા હતા.