આઈઆઈટીબીને 1999ની બેચ તરફથી 21.1 કરોડનું દાન
આઈઆઈટી-બોમ્બેનું 'વિઝન 2030' વેગ પકડશે
સ્નેહ સંમેલન દરમ્યાન સંસ્થાએ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સેવા બદ્દલ પુરસ્કારોથી નવાજ્યા
મુંબઈ - આઈટીઆઈ મુંબઈના ૧૯૯૯ના બેચ અર્થાત્ રજત જયંતિ ઉજવતાં બેચે કુલ ૨૧.૨ કરોડ રુપિયાનું ભંડોળ સંસ્થાને ભેટરુપે આપ્યું છે. આ ભેટને લીધે હવે આઈઆઈટી મુંબઈને 'વિઝન ૨૦૩૦' સાકારવામાં મોટું પીઠબળ મળ્યું છે. આ ભંડોળને લીધે સંશોધન પ્રવૃત્તિને વેગ આપવા પ્રયાસો કરાશે.
આઈઆઈટી મુંબઈમાં શિક્ષણ મેળવેલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ સંમેલન રવિવારે સવારે આઈઆઈટી કેમ્પસમાં પાર પડયું હતું. સંસ્થાના વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આવેલી મદદને ધ્યાનમાં લઈ આઈઆઈટીએ આ વર્ષે સર્વાધિક ભેટ આપનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગૌરવાર્થે તેમના નામની તક્તિનું પણ અનાવરણ કર્યું હતું. તેમજ ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને 'વિશિષ્ટ સેવા પુરસ્કાર' અને છ વિદ્યાર્થીઓને 'અધ્યાય (ચેપ્ટર) સેવા પુરસ્કાર' આપી સન્માનિત કરાયા હતા. તેમજ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંઘને શ્રદ્ધાંજલિ પણ આ કાર્યક્રમના ભાગરુપે અપાઈ હતી.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ આઈઆઈટી બોમ્બેની મોટી તાકાત છે. તેઓ ફક્ત ભંડોળ જ નહિ તો તેમના જ્ઞાાન અને ઈન્ડસ્ટ્રીઅલ અનુભવ દ્વારા પણ સંસ્થાને ઉપયોગી થવાય એ રીતે કાયમ યોગદાન આપતાં હોય છે, એવો ભાવ આઈઆઈટી બોમ્બેના સંચાલકે વ્યક્ત કર્યો હતો.