ડોમ્બિવલીની મહિલા ડૉકટરે ક્રિપ્ટો-કરન્સી ફ્રોડમાં 30 લાખ ગુમાવ્યા
પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવી ફસાવી બાદમાં એપ થકી રોકાણ કરાવ્યું
પોત કોઈ પાર્સલ નહિ મગાવ્યું હોવાનું જણાવવા છતાં પણ ધાકધમકી આપી, વિવિધ ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા
મુંબઇ : થાણે જિલ્લાના ડોમ્બિવલીની એક મહિલા ડૉકટરને ક્રિપ્ટોકરન્સી ખરીદવાની લાલચ આપી ફ્રોડસ્ટરોએ તેમની સાથે ૩૦ લાખ રૃપિયાનું ફ્રોડ કર્યું હતું. મહિલાને પહેલાં પાર્સલ ફ્રોડમાં ફસાવાઈ હતી અને ત્યારબાદ એક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું હતું.
આ બાબતે મહિલા ડોકટરે માનપાડા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં કોલરે જણાવ્યુ ંહતું કે ૨૪ જુલાઇના રોજ તેમના દ્વારા કથિત રીતે થાઇલેન્ડ મોકલવામાં આવેલા એક પાર્સલમાં શંકાસ્પદ વસ્તુઓ છે. કોલ કરનારે ખોટી રીતે જણાવ્યું હતું કે તેમણે મોકલેલા પાર્સલમાં ત્રણ પાસપોર્ટ, ત્રણ સીમકાર્ડ અને એમડી ડ્રગ્સ સહિત અમૂક શંકાસ્પદ વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ વાતથી ફરિયાદી મહિલા ડૉકટર ગભરાઇ ગયા હતા અનેતેમણે આવું કોઇ પાર્સલ મોકલ્યુ ન હોવાનો ખુલાસો કર્યો હતો. તેમ છતાં ફ્રોસ્ટરોએ તેમને ધમકાવવાનું ચાલું રાખ્યું હતું. અંતે ફરિયાદીને એક મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ક્રિપ્ટો કરન્સી ખરીદવાની લાલચ આપી તેમા રોકાણ કરવા મનાવવામાં આવ્યા હતા. મહિલા ડોક્ટરે તેમણે ૩૦.૮૬ લાખ રૃપિયાની રકમ ફ્રોડસ્ટરોએ જણાવેલ વિવિધ ખાતાઓમાં મોકલી આપી હતી.
આ બધા ટ્રાન્ઝેકશન થયા બાદ મહિલા ડૉકટરને શંકા ગઇ હતી અને છેતરપિંડીનો ભાસ થતા તેમણે આ બાબતની ફરિયાદ માનપાડા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે અજાણ્યા ફ્રોડસ્ટરો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.