ડોંબિવલી ફેક્ટરીના માલિક માલતી મહેતાની ધરપકડઃ મૃત્યુઆંક વધીને 11

Updated: May 25th, 2024


Google NewsGoogle News
ડોંબિવલી ફેક્ટરીના માલિક માલતી મહેતાની ધરપકડઃ મૃત્યુઆંક વધીને 11 1 - image


ફેક્ટરીમાં ખાદ્ય રંગો બનાવાવા પેરોક્સાઈડનો ઉપયોગ થતો હતો

બેદરકારીને લીધે વિસ્ફોટ થઈ શકે છે તેવી જાણ છતાં સંચાલકોએ સાવચેતી નહિ રાખી અને તેથી જાનહાનિ થઈ તેવો એફઆઈઆરમાં આરોપ

10 કલાકે આગ કાબુમાં આવી, કાટમાળની સફાઈ ચાલુ

મુંબઇ :  ડોંબિવલી કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને ૧૧ થઇ ગયો છે. આ ધડાકામાં ૬૮ જણને ઇજા થઇ હતી. અહીં કાટમાળ નીચે કોઇ વ્યક્તિ દબાયેલી છે કે કેમ એની તપાસ થઇ રહી છે. ફાયર બ્રિગેડે આગ ૧૦ કલાકે કાબૂમાં લીધી હતી. જ્યારે કંપનીમાં બેદરકારીને લીધે વિસ્ફોટ થઇ શકે છે એમ માલિક જાણતા હતા. આમ છતાં તેમણે કામગારોની સુરક્ષા માટે જરૃરી સાવચેતી રાખી નહોતી એવા આરોપ સાથેની એફઆઈઆર બાદ કલાકો પછી કંપનીનાં માલિક માલતી મહેતાની નાસિકથી ધરપકડ કરાઈ હતી.

ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર)માં કંપનીના માલિકો/ ડાયરેક્ટરો માલતી પ્રદિપ મહેતા, મલય પ્રદિપ મહેતા મેનેજમેન્ટ સ્ટાફ, ઓફિસર જેઓ ફેક્ટરીની દેખરેખ રાખતા હતા. તેમની સામે સદોષ મનુષ્ય વધ, અને કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ડોમ્બિવલી (પૂર્વ) માનપાડા, સોનારપાડા સ્થિત એમ.આઇ.ડી.સી. ફ્રેઝ-૨માં આવેલી અમુદાન કેમિકલ કંપનીમાં ગઇકાલે બપોરે ૧.૪૦ વાગ્યે જોરદાર વિસ્ફોટ થઇ ભીષણ આગ લાગી હતી. આ બનાવના લગભગ ૧૨ કલાક પછી એફઆઇઆર નોંધવામાં આવી હતી.

વિસ્ફોટની અસર દૂર સુધી થઇ હતી. ઘરોની બારી, દરવાજાના કાચ તૂટી ગયા હતા તેમજ આસપાસના વિસ્તારમાં કાર, રસ્તાઓ, ઇલેક્ટ્રિક થાંભલાઓને નુકસાન થયું હતું. ફેક્ટરીની બાજુની અમુક કંપની પણ આગની લપેટમાં સપડાઇ હતી. ધડાકાના લીધે ફેક્ટરીનો અમૂક હિસ્સો ધરાશાયી થઇ ગયો હતો. ફેક્ટરીમાં અનેક કામગાર ફસાઇ ગયા હતા. આ કમકમાટીભરી ઘટનામાં અત્યાર સુધીમાં ૧૧ જણ મોતને ભેટયા હોવાનું કહેવાય છે. જ્યારે ૬૮ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

હોસ્પિટલમાં સારવાર બાદ ૪૨ જણને રજા આપવામાં આવી હતી.  ૧૨ની હાલત ગંભીર હોવાથી આઇસીયુમાં દાખલ કરાયા છે. ફેક્ટરીમાં કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. હજી પણ કદાચ મૃતકનો આંકડો વધી શકે છે. 

આરોપીઓ સામે જ્વલનશીલ પદાર્થો, વિસ્ફોટક પદાર્થોના સંદર્ભમાં સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવા અને બેદરકારીભર્યા વર્તન માટે કલમ ૩૦૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સિવાય પોલીસે પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકેટ હેઠળ પણ આરોપો લગાવ્યા છે. એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે કે કંપનીએ કેમિકલ, અંતિમ ઉત્પાદનો, અને તેમના સ્ટોરેજના મિશ્રણ અંગે સાવચેતી રાખી નહોતી. તેઓ સારી રીતે જાણતા હતા કે કોઇપણ ક્ષતિઓ વિસ્ફોટ તરફ દોરી શકે છે. જેના લીધે કંપની અને તેની આસપાસના માળખાને નુકસાન પહોંચી શકે છે. આ બેદરકારીને લીધે ગુરુવારે વિસ્ફોટ થયો હતો.

કેમિકલ ફેક્ટરીમાં ખાદ્ય રંગોનું ઉત્પાદન થતું હતું. પેરોક્સાઇડનો ઉપયોગ કર્યો હતો જે અત્યંત પ્રતિક્રિયાશીલ અને અસ્થિર રસાયણો છે. એનાથી અમૂક પરિસ્થિતિમાં વિસ્ફોટ થઇ શકે છે. એમ બચાવ કામગીરીમાં સામેલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)એ જણાવ્યું હતું. 

 માલતી મહેતા ભાગીને નાસિકમાં સંબધીના ઘરે છૂપાયાં હતાં

ડોમ્બિવલી એમઆઇડીસી કેમિકલ કંપની ફેક્ટરી કેસમાં પોલીસે પ્રથમ ધરપકડ કરી છે. કંપનીની માલિક માલતી મહેતાની નાશિકમાં ઝડપી લેવામાં આવી છે. તેને પકડીને અહીં લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોબાઈલ લોકેશનના આધારે  મુંબઈ તથા નાસિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી

આ ધડાકા બાદ કંપનીની માલિક ફરાર હતા. આરોપીને પકડવા પોલીસની જુદી જુદી ટીમ બનાવવામાં આવી હતી. કંપનીના માલિક માલતી મહેતા, મલય મહેતા, સંચાલક, વ્યવસ્થાપક અન્ય સામે સદોષ મનુષ્ય વધ અને સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે ફરાર માલતી મહેતાના મોબાઇલ ફોન લોકેશન અને અન્ય માહિતીના આધારે તે નાશિકમાં હોવાની ખબર પડી હતી.

ત્યાર બાદ થાણે પોલીસે નાશિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપી માલતીએ નાશિકમાં તેના સંબંધીના ઘરે આશરો લીધો હોવાનું કહેવાય છે. થાણે પોલીસ અને નાશિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માલતી મહેતાની ધરપકડ કરી હતી.

નાશિકના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં તેને લઈ જવામાં આવી હતી. જ્યાં જરૃરી કાર્યવાહી કર્યા બાદ માલતી મહેતાને અહીં લાવવાની પોલીસે કામગીરી હાથ ધરી હતી.



Google NewsGoogle News