ડોમ્બિવલીમાં હેમંત જોશીને પત્ની અને પુત્રની સામે ગોળી મારવામાં આવી
પુત્રની ધો.૧૦ની પરીક્ષા બાદ ફરવા ગયા હતા
મુંબઇ - ડોમ્બિવલીમાં રહેતા હેમંત જોશીના પુત્રની દસમા ધોરણની પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમણે સપરિવાર કાશ્મીર ફરવા જવાની યોજના બનાવી હતી. તે મુજબ તેઓ કાશ્મીરના પહલગામમાં ફરવા આવ્યા હતા. હેમંત જોશી (૪૫) તેમના પત્ની મોનિકા જોશી (૪૫) અને પુત્ર ધુ્રવ જોશી (૧૬) પહલગામમાં અન્ય લોકો સાથે હાજર હતા ત્યારે આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને પત્ની મોનિકા અને પુત્ર ધુ્રવ સામે જ તેમને ગોળી મારી હતી. આ ઘટનામાં જોશીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે મોનિકા અને ધુ્રવ આ હુમલામાં આબાદ બચી ગયા હતા.
હેમંત જોશી એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા હતા જ્યારે તેમના પત્ની મોનિકા જોશી એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. હેમંત જોશી ડોમ્બિવલીની ભાગશાળા મેદાન સામે આવેલ સાવિત્રી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. હેમંત જોશીના મૃત્યુના સમાચારથી તેમના સંબંધીઓ અને પાડોશીઓને આંચકો લાગ્યો હતો.