બૌદ્ધિત અક્ષમતા ધરાવનાર મહિલાને માતા બનવાનો અધિકાર નથી? હાઈકોર્ટ
દત્તક પુત્રીના ગર્ભપાતની માટે માતાપિતાની અરજી પર કોર્ટનો સવાલ
ગર્ભાવસ્થા માટે જવાબદાર પુરુષ સાથે વાતચીત કરી લગ્નની ઈચ્છા જાણવા પાલક માતાપિતાને કોર્ટનો નિર્દેશ
માનસિક અક્ષમ નહિ પણ આઈક્યૂ ઓછો હોવાનો તબીબી બોર્ડનો અહેવાલઃ કોઈ સુપર ઈન્ટેલિજન્ટ નથી હોતું, બધામાં ઓછી વત્તી બુદ્ધિ હોય છેઃ કોર્ટ
મુંબઈ - બૈદ્ધિક અક્ષમતા ધરાવતી મહિલાને માતા બનવાનો અધિકાર નથી? અવો સવાલ બોમ્બે હાઈકોર્ટે ઉપસ્થિત કર્યો છે. ૨૭ વર્ષની મહિલાના પિતાએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. અરજીમાં ૨૧ સપ્તાહના ગર્ભને પડાવવાની પરવાનગી માગી હતી કેમ કે તે માનસિક રીતે અક્ષમ અને અપરિણીત છે. અરજીમાં જોકે પિતાએ એમ પણ જણાવ્યું હતું કે તેમની પુત્રી જોકે ગર્ભાવસ્થા ચાલુ રાખવા માગે છે.
ગયા સપ્તાહે કોર્ટે મહિલાને તપાસીને અહેવાલ આપવા જેજે હોસ્પિટલના મેડિકલ બોર્ડને નિર્દેશ આપ્યો હતો. બુધવારે કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલ અનુસાર મહિલા માનસિક અસ્તિર કે બીમાર નથી પણ ૭૫ ટકા બુદ્ધિઆંક સાથે સીમા પરની બૌદ્ધિક અક્ષમતા ધરાવતી હોવાનું જણાયું છે.
કોર્ટે નોંધ કરી હતી કે મહિલાના પાલકે તેને સાઈકોલોજીકલ કાઉન્સેલિંગ કે સારવાર કરાવી નહોતી માત્ર ૨૦૧૧થી દવા પર રાખી છે. મેડિકલ બોર્ડના અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે કોઈ અસામાન્યતા કે વિકૃતી ગર્ભમાં જણાઈ નથી અને મહિલા પણ તબીબી દ્રષ્ટીએ સ્વસ્થ છે. જોકે અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે ગર્ભપાત થઈ શકે છે.
કોર્ટે મેડિકલ બોર્ડના અહેવાલની એ વાતની નોંધ લીધી હતી કે મહિલા માનસિક રીતે અક્ષમ નથી અથવા અસ્થિક મગજની નથી પરંતુ સામાન્ય કરતાં ઓછી બુદ્ધિમતા ધરાવે છે. કોઈ સુપર ઈન્ટેલિજન્ટ નથી હોઈ શકતું. આપણે બધા માનવ છીએ અને બધા જુદી માત્રામાં બુદ્ધિમતા ધરાવતા હોય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
મહિલા સામાન્યથી ઓછી બુદ્ધિમતા ધરાવતી હોવાથી તેને માતા બનવાનો અધિકાર નથી? આ તો કાયદા વિરુદ્ધની વાત થઈ, એમ કોર્ટે નોંધ્યું હતું.મહિલા માનસિક રીતે બીમાર હોય તેવા કેસમાં ૨૦ સપ્તાહથી ઉપરનો ગર્ભ પડાવવાની મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કાયદામાં જોગવાઈ છે.
બોર્ડરલાઈન કેસને માનસિક બીમારી ગણી શકાય નહીં. આ કેસમાં મહિલાને માનસિક બીમાર કરી શકાય નહીં. અરજદારના વકિલે કોર્ટને જાણ કરી હતી કે મહિલાએ તેેના માતાપિતાને તેની સાથે સંબંધ બાંધનારા પુરુષની ઓળખ આપી છે જે તેના ગર્ભાવસ્થા માટે જવાબદાર છે.
કોર્ટે એ વ્યક્તિ લગ્ન કરવા ઈચ્છુક છે કે નહીં એમ તેની સાથે વાત કરવા મહિલાના માતાપિતાને જણાવ્યું છે. બંને પુખ્ત છે આ કોઈ ગુનો નથી, માતાપિતા તરીકે તમે આટલું કરી શકો છો, એમ કોર્ટે જણાવ્યું હતું.
મહિલા પાંચ મહિનાની હતી ત્યારે તેને દંપતીએ દત્તક લીધી હતી આથી તેમને માતાપિતા તરીકેની ફરજની જાણ હોવી જોઈએ એમ કોર્ટે અગાઉ નોંધ કરી હતી. કોર્ટે ૧૩ જાન્યુઆરી પર સુનાવણી રાખી છે.