પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ પ્રસૂતિ માટે યુગલોની હોડથી ડોક્ટરો મૂંઝવણમાં
સિઝેરિયન માટે બૂકિંગનો ધસારો, ડોક્ટરો દ્વિધામાં
મેડિકલ કાઉન્સિલ દ્વારા યુગલોના વલણની ટીકા, માત્ર મેડિકલ આધારે જ નિર્ણય લેવાની ભલામણ
મુંબઈ :બાળકનો જન્મ ૨૨ જાન્યુઆરી આસપાસ નિર્ધારીત હોય તેવા માતાપિતા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે *મુહૂર્ત ડિલિવરી* માટે જન્મની નિયત તારીખો ગોઠવી રહ્યા છે. દંપતિઓમાં એવી માન્યતા પ્રવર્તી રહી છે કે આ દિવસે જન્મતા બાળકોમાં મર્યાદા પુરુષોત્તમ રામ જેવા ગુણો હશે. દેશભરની હોસ્પિટલોના ડોક્ટરો સગર્ભા માતા અને તેના પતિ તરફથી ૨૨ જાન્યુઆરીએ જ બાળકનો સીઝેરિયનથી જન્મ કરાવવા દબાણનો સામનો કરી રહ્યા છે. આથી તેમના માટે નૈતિક દ્વિધા સર્જાઈ છે.
પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હિન્દુઓના તહેવાર મકર સંક્રાંતિ પછીના થોડા દિવસ પછી આવે છે જેમાં સૂર્ય ઉત્તર તરફ મકર રાશિમાં ગતિમાન થાય છે. ઉત્તરાયણ નવી શરૃઆત માટે શુભ માનવામાં આવે છે. આથી યુગલ બાળકનો જન્મ ૨૨ જાન્યુઆરીના રોજ સવારે૧૧.૪૫થી ૧૨.૪૫ વચ્ચે કરાવવા માગે છે. આ મુહુરત અભિજીત મુહુરત તરીકે ઓળખાય છે અને તેને તમામ કાર્યો માટે શુભ માનવામાં આવે છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા પણ આ જ સમયે કરવામાં આવશે.
પણ ડોક્ટરો મેડિકલ કારણો અને યુગલોની વિનંતીઓ વચ્ચે મૂંઝવણ અનુભવી રહ્યા છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં પણ હોસ્પિટલો આ મુહુરત દરમ્યાન જ ડિલિવરી કરાવવાનો સામનો કરી રહ્યા છે. ડોક્ટરો પર બાળક અને સગર્ભાના આરોગ્યની ચિંતા પહેલી પ્રાથમિક્તા છે.
ઓબ્સટેટ્રીક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટીઝ ઓફ ઈન્ડિયાના પ્રમુખે આવી વિનંતીની ટીકા કરી છે અને જણાવ્યું છે કે બાળકનો જન્મ અમુક સમયે નિર્ધારીત થયો હોય છે. આવી કુદરતી બાબત સાથે ચેડા કરવા બાળક અને માતા માટે જોખમી સાબિત થઈ શકે અને ડોક્ટરોની નીતિથી વિરુદ્ધ છે. મુંબઈની મુખ્ય હોસ્પિટલોના ડોક્ટરોએ પણ આવી વિનંતીની અવગણના કરી છે અને તેમણે યુગલોને મેડિકલ ભલામણનું પાલન કરવાની સલાહ આપી છે.
જો કે અનેક યુગલો એવા પણ છે જ્યોતિષી શ્રદ્ધાને બાજુએ રાખીને ડોક્ટરોની સલાહ માનવાનો નિશ્ચય કર્યો છે. અનેક દંપતિઓએ આવી શ્રદ્ધાનું પાલન કરવાના સ્થાને નવજાત બાળકને કુદરતી જન્મ પછી અયોધ્યા દર્શન કરાવવાનું નક્કી કર્યું છે.