ગર્ભપાત ઈચ્છતી સગીરાની ઓળખ છતી કરવા ડોક્ટરને ફરજ પાડવી નહિઃ હાઈકોર્ટ
ડોક્ટરે કરેલી અરજીમાં હાઈ કોર્ટનો પોલીસને આદેશ
કિશોરી, તેની માતાને પોલીસ ફરિયાદ માટે મોકલવા જોઈતા હોવાના પોલીસના આગ્રહને પગલે અરજી
મુંબઈ :૧૪ સપ્તાહનો ગર્ભ પાડવવા દાદ માગનાર સગીરાની ઓળખ છતી કરવા ગાયનેકોલજિસ્ટ (સ્ત્રીરોગ નિષ્ણાત)ફરજ નહીં પાડવા હાઈ કોર્ટે પાલઘર પોલીસને નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સગીરાને ગર્ભપાતની પ્રક્રિયા શરૃ કરવાની પરવાનગી આપી હતી.
ગાયનેકોલોજિસ્ટે કોર્ટમાં અરજી કરીને ૧૬ વર્ષની સગીરાની ઓળખ છતી કરવા માટે દબાણ ન કરવાનો પોલીસને નિર્દેશ આપવાની દાદ માગી હતી. અરજી અનુસાર સગીરા અને તેની માતાએ ગર્ભપાત માટે ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. કિશોરીએ કરેલા દાવા મુજબ તે પ્રેમસંબંધમાં હતી. સગીરા હોવાથી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. સાથે જ સગીરા અને તેની માતા ઓળખ છતી કરવા માગતા નહોવાનું પણ જણાવ્યું હતું. તેમ છતાં પોલીસે તેમના ક્લિનિકમાં જઈને સગીરાની ઓળખ પૂછી હતી અને ડોક્ટરે સગીરા અને તેની માતાને પોલીસમાં ફરિયાદ નોંધાવવા મોકલાવવા જોઈતા હતા એમ જણાવ્યું હતું.
ડોક્ટરે અરજીમાં સુપ્રીમ કોર્ટના ૨૦૨૨ના આદેશને ટાંકીને જણાવ્યું હતુંં કે સગીરાની ઓળખ જાહેર કરવી જરૃરી નથી. અરજદારે દાવો કર્યો હતો કે સંમતિથી બંધાયેલા સંબંધમાં ગર્ભવતી થયેલી સગીરાઓ બદનામીના ભયથી રજિસ્ટર્ડ ડોક્ટર પાસે જવાનું ટાળે છે અને તેમની ઓળખ જાહેર કરવાનું ફરજિયાત કરવાથી તેમની ગુપ્તતાનું રક્ષણ થશે નહીં. હાઈ કોર્ટે અરજીની સુનાવણી ૨૬ જૂન પર રાખી છે.