દિવાળી ટાણે ભેળસેળિયા માવાથી બનેલી મીઠાઈઓનું ધૂમ વેચાણ
વસઈ વિરારમાં તમામ નીતિનિયમો પણ નેવે મૂકાયા
મીઠાઈ પર એક્સપાયરી ડેટનું લેબલ લગાવાતું નથીઃ રાજસથાન-ગુજરાતથી માવાની દાણચોરી
મુંબઈ : તંત્રના લાખ દાવા છતાં પણ દિવાળી તહેવારો વખતે ભેળસેળિયા માવાની મીઠાઈઓનું ધૂમ વેચાણ થયું છે. મીઠાઈઓ વેચતી વખતે એક્સપાયરી ડેટનું લેબલ લગાવવા સહિતના તમામ નીતિનિયમો નેવે મૂકી દેવાયા છે.
દિવાળીના તહેવારને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ભેળસેળયુક્ત માવાનું વિતરણ થઈ રહ્યું છે. આ ભેળસેળયુક્ત માવામાંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરીને વેચવામાં આવી રહી છે. આ ભેળસેળયુક્ત માવામાંથી તૈયાર કરાયેલી મીઠાઈઓ અનેક જગ્યાએ સ્ટોલ પર વેચાઈ રહી છે. ભેળસેળ અને ફૂડ પોઈઝનિંગને રોકવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ ખુલ્લી મીઠાઈઓ પર ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટનું લેબલ લગાવવાનું ફરજિયાત બનાવ્યું છે. પરંતુ, વસઈ-વિરાર, મીરા-ભાયંદરમાં મીઠાઈ વેચનારાઓનો નિયમ બાજુએ મૂકવામાં આવ્યા છે. આ મીઠાઈઓના ખુલ્લેઆમ વેચાણથી શહેરીજનો માટે આરોગ્યની સમસ્યા સર્જાઈ છે.
ભેળસેળવાળા માવા રાજસ્થાન અને ગુજરાત આ રાજ્ય દ્વારા હાઇવે માર્ગે લાવવામાં આવે છે. આ માવાની ખૂબ જ ચતુરાઈથી દાણચોરી કરવામાં આવે છે. આ માવો વસઈ-વિરાર, થાણે અને મુંબઈમાં જથ્થાબંધ વેપારીઓને વહેંચવામાં આવે છે. આ માવાના સંગ્રહ અને વેચાણ માટે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું લાયસન્સ જરૃરી છે. તેમ જ આ માવાના સંગ્રહને ૧૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવું જરૃરી છે. નહિ તો આ માવો માત્ર ત્રણ દિવસમાં બગડી જાય છે. પરંતુ, આવા કોઈ નિયમોનું પાલન થતું નથી. આ માવો ૨૦૦ થી ૨૫૦ રૃપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. આ માવામાંથી બનતી મીઠાઈઓ અને અન્ય ઉત્પાદનો ગ્રાહકોને ૪૦૦ થી ૮૦૦ રૃપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે છે.
ભેળસેળવાળી મીઠાઈઓ કિડની માટે જોખમી
ભેળસેળયુક્ત મીઠાઈઓમાં હાનિકારક તત્ત્વો હોય છે, તે કિડની પર વધારાનું દબાણ લાવી શરીરને અસર કરે છે. આનાથી કિડની સ્ટોન, કિડની ફેલ થવા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તે પાચનને અસર કરે છે. પરિણામે ફેફસાની બિમાર થતા હેપેટાઈટીસ જેવા રોગ થવાની શક્યતા રહે છે. આ માટે ભેળસેળવાળી મીઠાઈઓથી દૂર રહેવું જરૃરી છે એમ ડો. અતુલ પારસકરે જણાવ્યું હતું.
નમૂના જપ્ત કર્યા છે
દર વર્ષે તહેવારોની પાર્શ્વભૂમી પર માવા અને મીઠાઈના સંબંધમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવે છે. આ વર્ષે પણ વિવિધ સ્થળોએ કાર્યવાહી કરીને તપાસ માટે નમુના જપ્ત કરવામાં આવ્યા છે તેમ થાણેના જોઈન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પી. આર. સિગરવાડે કહ્યું હતું