પંઢરપૂરમાં દિવાળીની રજાઓ ટાણે ભાવિકોનું ઘોડાપૂર
12મીએ કાર્તિકી એકાદશી ઉજવાશે
કાર્તિકી એકાદશીને ધ્યાનમાં લઈ પ્રશાસને પૂરતી તૈયારીઓ આદરી; ચંદ્રભાગામાં સ્નાનનો મહિમા
મુંબઈ : દિવાળીની રજામાં શ્રી વિઠ્ઠલ રુક્મિણીના દર્શન માટે પંઢરપુરમાં ભાવિકોની ભારે ભીડ જામી રહી છે. વિઠ્ઠલવરના દર્શન માટે દરરોજ લાખો ભક્તો આવી રહ્યાં છે. તેમાંય ૧૨મી નવેમ્બરે કાર્તિકી એકાદશી ઉજવવામાં આવવાની હોવાથી તેના યાત્રાળુઓની ભીડ દિવસોદિવસ વધી રહી છે. દરરોજ લાંબી લાઈન મંદિર પ્રાંગણમાં જોવા મળે છે.
પંઢરપુર આવેલાં ભાવિકો પહેલાં ચંદ્રભાગામાં સ્નાન કરવાનું પસંદ કરે છે. નદીમાં આ વખતે સારા વરસાદને કારણે મબલખ પાણી હોવાથી લોકોને અહીં નદીસ્નાનનો પણ પૂરતો આનંદ મળી રહ્યો છે. સ્નાનબાદ લોકો પદસ્પર્શ કે મુખદર્શન કે કળશદર્શનની લાઈનમાં જાય છે.
સરકારી ઑફિસો, સ્કૂલ-કૉલેજોમાં દિવાળીની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા નીકળતાં હોય છે અને ખાસ કરી મહારાષ્ટ્રીયનો કારતક મહિને પંઢરપુર વિઠ્ઠલવરના દર્શને જવાનું પણ પસંદ કરતાં હોય છે. એકાદશીથી પુનમ સુધી મોટી સંખ્યામાં ભાવિકો પધારશે તેને ધ્યાનમાં લઈ સમગ્ર પંઢરપુરમાં પ્રશાસન દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે.