દિવાળીએ હૈયાહોળીઃ સન્ડે ટાઈમટેબલ પ્રમાણે ટ્રેનો દોડતાં પ્રવાસીઓ અટવાયા
રેલવે માટે માત્ર સરકારી કર્મચારીઓ જ મહત્વના પ્રવાસીઓ
ટ્રેનો હાઉસફૂલ, પ્લેટફોર્મ પર પણ ભીડના દ્રશ્યો, તહેવારોમાં સપરિવાર નીકળેલા લોકો હેરાન થયા
મુંબઈ : મુંબઈમાં દિવાળીના સપરમા દિવસે સેન્ટ્રલ રેલવેના લાખો પ્રવાસીઓ હાલાકીમાં મૂકાયા હતા. ગુરુવારે સે.રે. દ્વારા રવિવારના ટાઈમ ટેબલ પ્રમાણે લોકલ ટ્રેનો દોડાવચવામાં આવતા અસહ્ય ભીડ જોવા મળી હતી.
સવારથી જ પ્લેટફોર્મ પર એનાઉન્સમેન્ટ થતું હતું કે રવિવારના સમયપત્રક મુજબ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે એક તો ઓછી ટ્રેનો અને એ પણ સમયસર દોડતી ન હોવાથી ઘાટકોપર, થાણે, દાદર અને સીએસએમટી સ્ટેશનો પર રીતસર ધક્કામુક્કી થઈ હતી.
દાદર સ્ટેશને તો સામાન્ય દિવસોમાં હોય છે તેના કરતાં વધુ રેલવે પોલીસો તેમજ મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પ્લેટફોર્મની વચ્ચે દોરડા બાંધવામાં આવ્યા હતા.
દિવાળીમાં હરવાફરવા અને સગાસંબંધીને મળવા માટે નીકળેલા લોકોએ ઉભરો ઠાલવતા કહ્યું હતું કે મધ્ય રેલવેની ટ્રેનો સામાન્ય દિવસોમાં નિયમિત રીતે અનિયમિત દોડે છે. પણ દિવાળીના મુહૂર્તમાં થોડી રાહત થશે એવી આશા ઠગારી નિવડી છે.
ટ્રેનોના ફર્સ્ટ- કલાસના કમ્પાર્ટમેન્ટની દશા થર્ડ કલાસથી પણ બદતર થઈ ગઈ હતી. ફર્સ્ટ કલાસની ટિકિટ વગરના મુસાફરો સરસામાન સાથે ઘૂસી જતા હતા. આટલી અંધાધૂંધી છતાં પ્લેટફોર્મ ઉપર કે ટ્રેનોમાં કોઈ ટી.સી. કે ટીટીઈ જોવા નહોતા મળ્યા.