લોરેન્સ બિશ્નોઈ ગેંગના હુમલાથી પરેશાન અને કંટાળી ગયો છું : સલમાન
પાર્ટીમાંથી ઘરે આવીને ઊંઘતો હતો ને ફાયરિંગ થયું
સલમાને પોલીસને જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ પોતે ગેલેરીમાં જઈ તપાસ કરી હતી પણ કોઈ હુમલાખોર જોયા ન હતા
મુંબઈ : મુંબઈ પોલીસે એપ્રિલમાં બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ મામલે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેના અભિનેતા ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું હતું. આ દરમિયામ સલમાને તેના પરિવારની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાથી પરેશાન અને કંટાળી ગયો હોવાનું દબંગ અભિનેતાએ કહ્યું હતું.
બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાનના નિવાસસ્થાને આ મહિનાની શરૃઆતમાં ક્રાઈમ બ્રાન્ચના ચાર અધિકારી ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે '૪ જૂને સલમાનનું નિવેદન લગભગ ચાર કલાક અને તેના ભાઈ અરબાઝનું બે કલાકથી વધુ સમય સુધી નિવેદન નોંધવામાં આવ્યું હતું.
પોલીસને નિવેદન નોંધાવતી વખતે સલમાને કહ્યું કે 'ફાયરિંગની આ ઘટના અમારા માટે ગંભીર ચેતવણી છે. ગોળીબાર તેણે પોતાની ગેલેરીમાં જઈ તપાસ કરી હતી. પરંતુ બહાર કોઈને જોયા નહોતા.
થોડા સમય બાદ બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે તેને ઘટનાની જાણ કરી હતી. તે વારંવાર ધમકી અને હુમલાથી સંપૂર્ણપણે અસ્વસ્થ અને થાકી ગયો છે. પહેલાં જ ઘણું સહન કર્યું છે. ઘણી અદાલતો દ્વારા લગાવવામાં આવેલ દંડ પણ ચૂકવી દીધો છે.
તે દિવસે શું થયું હતું એની માહિતી પોલીસને આપતા સલમાન ખાને કહ્યું હતું કે 'તે દિવસે ઘરે હતો. ઘરે પાર્ટી હોવાથી તે મોડી રાતે સૂઈ ગયો હતો. થોડા સમય બાદ ઘરની બહાર ગોળીબારના અવાજથી તે જાગી ગયો હતો. અભિનેતાએ આ કેસમાં મુંબઈ પોલીસની તપાસને લઈને આભાર માન્યો હતો.
એકટર અને સલમાનના ભાઈ અરબાઝે પોલીસને જણાવ્યું હતું કે 'અગાઉ કોઈએ ધમકીભરી ચીઠ્ઠી આપી હતી. બિશ્નોઈ ગેંગના ગુંડાએ અમારા પનવેલના ફાર્મહાઉસની રેકી કરી હતી. ત્યારબાદ હવે ગોળીબાર કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેવાની જરૃર છે.
૧૪ એપ્રિલના સલમાનના ઘરની બહાર ગોળીબાર કરી નાસી ગયેલા બે શૂટરની ગુજરાતમાં ઝડપી લેવામાં આવ્યા હતા. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ ગુનામાં હજી સુધી છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લોકઅપમાં એક આરોપીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.