દિશા સાલિયાન કેસ રિઓપનઃ તપાસ માટે ખાસ એસઆઈટીની રચના
સુશાંતની આત્મહત્યા પહેલાં એક્સ મેનેજર દિશાનું મોત થયું હતું
દિશા કેસ મુદ્દે ધમાલ થતાં મહારાષ્ટ્ર વિધાનસભા પાંચ વખત મુલત્વીઃ જેમની પાસે પુરાવા હોય તે મુંબઈ પોલીસને આપી જાયઃ ફડણવીસ
મુંબઈ : બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનનાં મોતના સંજોગો અંગે ફેરતપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ( એસઆઈટી)ની રચના કરવાની જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તથા ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળતા દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું કે દિશા કેસ હજુ પણ મહારાષ્ટ્ર સરકાર હસ્તક જ છે અને તે સીબીઆઈને સોંપાયો નથી. આ કેસમાં સરકારે એસઆઈટી રચવાનું નક્કી કર્યું છે.
૨૦૦૮માં જુન માસમાં સુશાંત સિંહ રાજપૂતનો દેહ તેના ફ્લેટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં ંમળ્યો હતો. આ બનાવનાં સપ્તાહ પહેલાં જ તા. આઠમી જુને સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું તેની બિલ્ડિંગના ૧૪ મા માળે પડી જવાથી શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. દિશાએ જાતે ઝંપલાવ્યું હતું કે કોઈ એ હત્યા કરી તેની લાશ ફેંકી હતી તે અંગે સતત તર્કવિતર્ક થતા રહ્યા છે. આ કેસમાં તત્કાલીન મહાવિકાસ આઘાડી શાસનમાં ભીનુ સંકેલાયું હોવાના આરોપો સતત ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે.
ફડણવીસે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે દિશાના ંમોતના કેસની તપાસ હજુ પણ મુંબઈ પોલીસ પાસે જ છે. જેમની પાસે આ કેસને લગતા કોઈ પુરાવા હોય તેઓ રજૂ કરી શકે છે. આ કેસની તપાસ એક વિશેષ તપાસ ટૂકડી દ્વારા કરવામાં આવશે.
ફડણવીસે ઉમેર્યું હતું કે આ તપાસ કોઈને પણ નિશાન બનાવ્યા વિના તટસ્થ રીતે કરવામાં આવશે.
આ અગાઉ ભાજપનાં ધારાસભ્ય માધુરી મિસલે દિશાના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માગણી વિધાનસભા ગૃહમાં કરી હતી. શિંદે જૂથના ધારાસભ્ય ભરત ગોગાવલેએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તે પછી ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ આ ચર્ચામાં ઝંપલાવ્યું હતું અને આઘાડી સરકારના તત્કાલીન પ્રધાન આદિત્ય ઠાકરે પર આક્ષેપો કર્યા હતા. નિતેશ રાણેએ માગણી કરી હતી કે આ કેસમા ંઆદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ.
આ મુદ્દે ગૃહમાં ભારે ધમાલ થઈ હતી. તેને લીધે ગૃહ સતત પાંચ વખત મુલત્વી રાખવું પડયું હતું. તે પછી ફડણવીસે આ જાહેરાત કરી હતી.
ભાજપના ધારાસભ્ય અમિત સાટમે દિશાના પોસ્ટમોર્ટમનો અહેવાલ જાહેર કરવાની માગણી કરી હતી.
દિશા એક ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી હતી અને તે અગાઉ સુશાંતની મેનેજર તરીકે તેનો પોર્ટફોલિયો પણ સંભાળતી હતી. તા. આઠમી જુનની રાતે દિશા મલાડમાં તેના ફિઆન્સના ફ્લેટમાં હતી ત્યારે ૧૪મા માળે પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું. દિશાના મોતના પાંચ દિવસ બાદ સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી.
એયુ એટલે આદિત્ય, તેમનો નાર્કો ટેસ્ટ કરોઃ નિતેશ રાણેના આક્ષેપો
ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ એકથી વધુ વખત આક્ષેપ કર્યા છે કે દિશા સાલિઆનની હત્યા થઈ છે. નિતેશના દાવા અનુસાર પોતાની પાસે આ બાબતને સાબિત કરવા પુરાવા પણ છે. તેમના દાવા મુજબ દિશાનો મંગેતર રોહન રાય આ હત્યા વિશે બધું જાણે છે પરંતુ દિશાના મોત પછી તે ગાયબ છે. નાગપુરમાં ફરીથી તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દિશાની હત્યામાં તપાસ અધિકારી બે વખત બદલવામાં આવ્યા હતા. દિશાનો ફાઈનલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આજદિન સુધી જાહેર થયો નથી. આ ઢાંકપિછોડો શંકાસ્પદ છે. નિતેશે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીને એયુ નામથી ૪૫ કોલ થયા હતા. આ વાત સંસતસભ્ય રાહુલ શેવાલેએ લોકસભામાં પણ ઉચ્ચારી છે. આ એયુ એટલે આદિત્ય ઠાકરે જ છે. બિહાર પોલીસે પણ આ કેસમાં આદિત્ય ઠાકરેનો ઉલ્લેખ કર્યો હતો. જેમ શ્રદ્ધા વાલ્કર કેસમાં આફતાબનો નાર્કો થયા બાદ સત્ય સામે આવ્યું છે તેમ દિશા કેસમાં પણ આદિત્યનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ.
મુંબઈ પોલીસ તથા સીબીઆઈ બંનેએ આત્મહત્યા ગણાવી છે
મુંબઈ પોલીસને દિશાના મોતના કેસમાં કશું શંકાસ્પદ જણાયું ન હતું. આથી તે આ કેસને આત્મહત્યાનો ગણાવી અગાઉ જ બંધ કરી ચુકી છે. કેસના તપાસ અધિકારીએ દિશાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પંચનામા તથા દિશાનાં પરિવારજનોના નિવેદનો આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસને સુપરત કર્યાં હતાં. દિશાની હત્યા પહેલાં તેના પર બળાત્કાર થયાની પણ ચર્ચા હતી. જોકે, દિશાના પિતા આ થિયરી અગાઉ જ નકારી ચૂક્યા છે. સીબીઆઈએ પણ દિશાના મૃત્યુમાં કશું શંકાસ્પદ નહીં હોવાનું થોડા સમય પહેલાં જણાવ્યું હતું. સીબીઆઈએ જોકે, દિશા કેસમાં અલગથી તપાસ કરી ન હતી પરંતુ સુશાંતના મોત કેસની તપાસ સાથે જ તેનાં મોતની તપાસને આવરી લીધી હતી.
અમને શાંતિથી રહેવા દોઃ દિશાનાં માં-બાપ
દિશા કેસમાં એસઆઈટીની રચના અંગે તેના માતા-પિતાએ કેટલાક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે એસઆઈટીથી તેમની દીકરી પાછી આવશે ?આ બધું શા માટે થઈ રહ્યું છે ? આ કેસ પહેલાં જ મુંબઈ પોલીસ બંધ કરી ચુકી છે. બહુ બધી તપાસ થઈ ચુકી છે. હવે અમને શાંતિ લેવા દો. જોકે, તેમણે ઓન રેકોર્ડ કશું પણ બોલવાનો ઈન્કાર કરી દીધો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજીત પવારે પણ દિશાના માતાપિતા દ્વારા અગાઉ અપાયેલાં નિવેદનને વાંચી સંભળાવ્યું હતું. તેમાં દિશાના માતાપિતાએ કહ્યું હતું કે અમારી દીકરીની ખોટી બદનામી થઈ છે. અમે પોલીસને બધી વિગતો આપી છે. વધુ બદનક્ષી થશે તો અમારું જીવવું હરામ થઈ જશે. આ માટે ખોટા આક્ષેપો કરનારા નેતાઓ જવાબદાર રહેશે.