દાદરમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો તસ્કર 10 લાખની પૈઠણી સાડીઓ ચોરી ગયો
સોશિયલ મીડિયાના સહારે હોમ બિઝનેસ કરતાં દંપત્તીને ફટકો
ઘરે જ મોંઘીદાટ સાડીઓ રાખી એક્ઝિબિશન ગોઠવ્યું હતું, પતિ પાણી લેવા રસોડામાં ગયા ત્યારે પત્નીની નજર ચુકવી ચોરી
મુંબઇ : દાદર (વે)માં ઘરેથી જ પૈઠણી સાડીનું વેચાણ કરતા એક દંપતિની નજર ચૂકવી અજાણ્યો ગ્રાહક ૧૦ લાખ રૃપિયાની કિંમતની પ્યોર સિલ્કની પૈઠણી સાડીઓ ચોરી ગયો હતો. આ ઘટનાને લીધે ચોંકી ઉઠેલા દંપતિઓ પોલીસમાં ફરિયાદ કરતા દાદર પોલીસે અજાણ્યા ગ્રાહક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સંદર્ભે વધુ વિગત આપતા પોલીસે જણાવ્યું હતું કે દાદર (વે)માં રહેતા ફરિયાદી ક્ષિતિજ સાવંત (૩૧) તેની પત્ની પ્રાચી સાથે મળી ઘરેથી જ પૈઠણી સાડીનો વ્યવસાય ચલાવે છે. સાવંતની પત્ની પ્રાચી વર્ષ ૨૦૨૦થી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાત કરી પૈઠણી સાડીઓનું ઘરેથી જ વેચાણ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. પ્રાચી રૃા.૨૫૦૦થી માંડી ૫ લાખ રૃપિયાની કિંમતની પૈઠણી સાડીઓ વેચે છે તે મહિનામાં એકવાર ઇન્સ્ટાગ્રામ પર વિશેષ સ્ટોકની જાહેરાત કરી ઘરેજ તેનું એિક્ઝિબિશન પણ ગોઠવે છે.
આ વખતે તેણે ૨૭,૨૮ અને ૨૯ સપ્ટેમ્બરના રોજ મહાલક્ષ્મી પૈઠણી સાડીના એક્ઝિબિશનની માહિતી ઇન્સ્ટાગ્રામ પેજ પર શરકરી હતી. સાવંતના ઘરે સવારે ૧૧ થી ૭ દરમિયાન આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૯ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ થી ૪ દરમિયાન અમૂક મહિલા અને પુરૃષ ગ્રાહકો તેમના ઘરે પૈઠણી સાડી ખરીદવા આવ્યા હતા. તેમના ઘરે હોલમાં એક્ઝિબિશન માટે બે સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા જેના પૈઠણી સાડીઓ પ્યોર સિલ્કની અને અમૂક ખૂબ જ મોંઘી પૈઠણી સાડીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. એક મહિલા ગ્રાહકે અમૂક સાડીઓ ખરીદી હતી પણ ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેમણે નોંધ્યું હતું કે અમૂક સાડીઓ ગુમ છે. વધુ તપાસ કરતા તેમણે નોંધ્યું હતું કે લગભગ દસ લાખ રૃપિયાની કિંમતની સાત મોંઘી પૈઠણ સાડીઓ ટેલબ પરથી ગુમ થઇ ગઇ હતી. સાવંત એક-બે ગ્રાહકો માટે પાણી લેવા રસોડામાં ગયા હતા અને દરમિયાન તેમની પત્ની પ્રાચીની નજર ચૂકવી કોઇ અજાણ્યો ગ્રાહક આ મોંઘી સાડીઓ ઉઠાવી ગયો હતો.
પોલીસે આ પ્રકરણે અજાણ્યા ગ્રાહક સામે આઇપીસીની કલમ ૩૦૫ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.