કેન્સર, ટીબી જેવા રોગોની સારવાર એઆઈથી થશે
મુંબઈ યુનિવર્સિટી વિકસાવી રહી છે મોડેલ
જો મોડેલ સફળ થયું તો દર્દીઓને મોંઘાદાટ ખર્ચા અને દવાઓમાંથી રાહત મળી શકશે
મુંબઈ : મુંબઈ યુનિવર્સિટી આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની મદદથી એક ડિજીટલ ટ્વિન એટલે કે હેલ્થ સિસ્ટમ સમકક્ષ ડિજીટલ ટ્વિન પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. જેથી લોકોને તરત જ તેમને થઈ રહેલી બીમારીની જાણ એઆઈ મોડેલથી થઈ શકશે.
મેડિકલ વિશ્વમાં એઆઈની મદદથી ક્રાંતિ લાવવાના પૂરાં પ્રયાસો થઈ રહ્યાં છે.ટીબી, કેન્સર જેવી જીવલેણ બીમારીઓને ધ્યાનમાં લઈ યુનિવર્સિટી એઆઈ મોડેલ બનાવશે. તે માટે હાલ મુંબઈ યુનિવર્સિટી તમામ હૉસ્પિટલોમાંથી બીમારીઓના આંકડા મેળવી રહી છે. તેનું વિશ્લેષણ કરી રોગના સેમ્પલ અને ઝીણામાં ઝીણી માહિતી જમા કરાઈ રહી છે.
નાસિક હેલ્થ સાયન્સ યુનિવર્સિટી, સ્ટેટ હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ અને મુંબઈ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ કામ થઈ રહ્યું છે. તાતા કેન્સર અને નાનાવટી જેવી હૉસ્પિટલોના સહયોગથી આ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે.
રોગની જાણકારી મેળવવાથી માંડી તેની સારવાર અને પ્રક્રિયાને સરળ તથા સસ્તી કરતાં આ એઆઈ મોડેલને સૌથી પહેલાં મહિલાઓના બ્રેસ્ટ અને ગર્ભાશયમાં થતાં કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાશે. મુંબઈ યુનિવર્સિટીના ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના પ્રમુખના જણાવ્યાનુસાર, આ પ્રોજેક્ટનો હેતુ એવા ગ્રામીણ વિસ્તારો સુધી એઆઈ મોડેલને પહોંચાડવાનો છે, જ્યાં હજી ડૉક્ટર કે દવાઓ પહોંચી શકી નથી. આ યોજનાને 'સ્વસ્થ નારી, સશક્ત ભારત' નામ અપાશે. આ મોડેલ જો સફળ થયું તો કેટલાંય દર્દીઓને મોંધી સારવારમાંથી રાહત મળશે.