ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે દેવેન્દ્ર ફડણવીસની ચર્ચા
- વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપમાં મોટા ફેરફારો
- ફડણવીસને વિધાનસભા ચૂંટણી સુધી કાર્યકારી પ્રમુખ બનાવાય અને પછી પૂર્ણકાલીન પ્રમુખ બનાવાય તેવી પણ ચર્ચા
મુંબઈ : મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ભાજપના આગામી રાષ્ટ્રીય પ્રમુખ બનાવાશે. ચર્ચા અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સુધી ફડણવીસને પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકેનો ચાર્જ સોંપાશે અને બાદમાં પૂર્ણ કક્ષાના પ્રમુખ બનાવાશે.
ભાજપના હાલના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાની મુદ્દત પૂરી થઈ ગઈ છે. તે પછી તેમના અનુગામી તરીકે શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન તથા વિનોદ તાવડે સહિતના નેતાઓનાં નામ વહેતાં થયાં હતાં.
જોકે, હવે આ હોડમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી મોખરે ઉભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસ મૂળ નાગપુરના છે અને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ પસંદ છે. તેના કારણે તેમને નવા પ્રમુખ તરીકે વધારે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
અગાઉ મૂળ નાગપુરના જ નીતિન ગડકરી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બની ચૂક્યા છે. તે પછી લાંબા સમય બાદ ફડણવીસને રાષ્ટ્રીય કક્ષાએ ખસેડાશે.
મહારાષ્ટ્ર ભાજપના વર્તુળોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં કદાચ ફડણવીસ નાયબ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપે અને ભાજપના પ્રમુખ તરીકેની ફૂલટાઈમ જવાબદારી સંભાળવા દિલ્હી શિફ્ટ થાય તેવી સંભાવના છે. અન્ય એક સંભાવના એવી પણ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધીમાં ફડણવીસને કાર્યકારી પ્રમુખનો દરજ્જો અપાય અને ચૂંટણી બાદ તેમને પૂર્ણકાલીન પ્રમુખ બનાવાય. વિધાનસભા ચૂંટણી વખતે ફડવણીસ રાષ્ટ્રીય પ્રમુખ હોય તેવા સંજોગોમાં લોકસભા ચૂંટણીના માઠાં પરિણામોથી હતોત્સાહ થઈ ચૂકેલા કાર્યકરોને નવો જુસ્સો પૂરો પાડી શકાશે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપના મહારાષ્ટ્રમાં કંગાળ દેખાવ બાદ ખુદ ફડણવીસે જ નાયબ સીએમ તરીકે રાજીનામાંની ઓફર કરી હવે પોતે સંગઠનમાં જ સંપૂર્ણ ધ્યાન આપવા માગે છે તેમ જણાવ્યું હતું. જોકે, મોવડી મંડળે તેમને ડેપ્યૂટી સીએમ તરીકે ચાલુ રહેવા જણાવ્યું હતું. થોડા દિવસો પહેલાં ફડણવીસ સપરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તે પછી તેમને રાષ્ટ્રીય પ્રમુખ બનાવાશે તેવી અટકળો વધારે વ્યાપક બની છે.
ફડણવીસને દિલ્હી ખસેડાયે તેવા સંજોગોમાં મહારાષ્ટ્ર ભાજપમાં તેમના હરીફ મનાતા ભાજપના હાલના બિહારના ઈન્ચાર્જ વિનોદ તાવડેને ફરી મહારાષ્ટ્ર લવાશે કે કેમ તે અંગે પણ મતમતાંતર વ્યક્ત થઈ રહ્યા છે.