પોર્શે કેસમાં જુવેનાઈલ બોર્ડના બે સભ્યો સામે શિસ્તનાં પગલાંની ભલામણ
પુણેના કેસમાં પ્રક્રિયાનું યોગ્ય અનુસરણ નહીં થયું હોવાનો અહેવાલ
અકસ્માત સર્જનારા તરુણને નિબંધ લખવાની શરતે જામીન આપી દેનારા બોર્ડના સભ્યો સામે કમિટની ભલામણ
મુંબઈ : પુણે પોર્શે કાર હિટ એન્ડ રન કેસના સગીર આરોપીને જામીન આપવા સંબંધે જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના બે સભ્યોના વર્તાવની તપાસ કરી રહેલી પેનલે તેમની સામે પ્રક્રિયાત્મક ક્ષતિ બદલ શિસ્તના પગલાં લેવાની ભલામણ કરી છે.
પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં ૧૯ મેના રોજ થયેલા અકસ્માતમાં બે આઈટી પ્રોફેશનલ્સના મોત થયા હતા. દારુના નશામાં સગીર દ્વારા પોર્શેકાર પૂરપાટે ચલાવતાં અકસ્માત થયાનો આરોપ છે.
જેજેબીના સભ્ય એલ એન દાનવડેએ આરોપીને રોડ સેફ્ટી પર ૩૦૦ શબ્દનો નિબંધ લખવા સહિતની ઉદાર શરતો પર જામીન આપી દેતાં દેશભરમાં ઉહાપોહ મચી ગયો હતો. ત્યાર બાદ રાજ્યની મહિલા બાળ કલ્યાણ મંત્રાલયે કમિટીને જેજેબીના બે સભ્યોના વર્તાવની પાસ કરવાનો આદેશ આપ્યો હતો.
અહેવાલમાં કમિટીએ જેજેબીના બે સભ્યોે સામે પગલાં લેવાની ભલામણ કરી હતી. અહેવાલને આધારે તેમને કારણદર્શક નોટિસ જારી કરીને જવાબ મગાવાયો હતો. જવાબ સંતોષકારક નહોવાથી અમે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને બંને સભ્યો સામે શિસ્તના પગલાં લેવાનું જણાવ્યું હતું, એમ મહિલા બાળ કલ્યાણ ખાતાના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
મહિનાના પ્રારંભમાં સગીરે જામીનની શરત અનુસાર રોડસેફ્ટી પર ૩૦૦ શબ્દનો નિબંધ રજૂ કર્યો હતો.