24 સપ્તાહ બાદના ગર્ભપાત માટે એસઓપી તૈયાર કરવા સરકારને નિર્દેશ
તમામ સરકારી હોસ્પિટલ અને મેડિકલ બોર્ડ માટે નિર્દેશ
કોર્ટની પરવાનગી લેવાની જરૃર પડે નહીં એની તકેદારી લેવા હાઈકોર્ટની સૂચના
મુંબઈ : ૨૪ સપ્તાહ બાદના ગર્ભને પડાવવા સંબંધી કેસો હાથ ધરવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરવા બોમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ઉપાધ્યાય અને ન્યા. સાંબરેની બેન્ચે પાંચ એપ્રિલે આપેલા આદેશમાં નોંધ્યું હતું કે સુધારિત મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટ અનુસાર ભૃણમાં બહુ વિકૃતિ હોય તેવા કેસમાં ૨૪ સપ્તાહ બાદ પણ ગર્ભપાતને પરવાનગી અપાઈ છે.
સુધારિત કાયદા હેઠળ સરકારે રાજ્યના દરેક જિલ્લામાં ૨૪ સપ્તાહ બાદ ગર્ભપાત કરાવવો કે નહીં એનો નિર્ણય લેવાની સત્તા ધરાવતું મેડિકલ બોર્ડ રચવું જરૃરી છે.
ભૃણમાં વિકૃતિ હોવાને કારણે ૩૨ સપ્તાહનો ગર્ભ પડાવવા મહિલાએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી. અરજી અનુસાર વર્ધામાં જનરલ હોસ્પિટલે મહિલાને ૨૪ સપ્તાહના સ્કેન દરમ્યાન ભૃણની વિકૃતિ વિશે જાણ કરી હતી.
મહિલાને રાહત આપીને કોર્ટે નોંધ કરી હતી કે મહિલાને મેડિકલ બોર્ડ પાસે મોકલવાને બદલે હોસ્પિટલે તેને કોર્ટમાં જઈને ગર્ભપાતની પરવાનગી માગવા કહ્યું એ વ્યથિત કરનારું છે.
એમટીપી કાયદાની સુધારીત જોગવાઈ હેઠળની સ્કીમ અનુસાર ૨૪ સપ્તાહ બાદના ગર્ભપાત માટે મહિલાએ કોર્ટની પરવાનગી લેવાની જરૃર નથી પડતી.
કોર્ટે રાજ્યના જન આરોગ્ય ખાતા અને મેડિકલ એજ્યુકેશન એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને નિષ્ણાતોની સલાહ મુજબ એસઓપી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે જે તમામ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં જારી કરવામાં આવે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ એસઓપીને સરકાર બે મહિનામાં નોટિફાય કરે એવો નિર્દેશ આપીને સુનાવણી ૧૨ જૂન પર રાખવામાં આવી છે.
એક વાર અમલમાં આવ્યા બાદ એસઓપી કોઈ મહિલા કોર્ટની પરવાનગી લેવા આવે નહીં એની તકેદારી લેેવાશે. કોર્ટે મહિલાને ગર્ભપાતની પરવાનગી આપીને વર્ધાની જનરલ હોસ્પિટલને ખર્ચ ઉપાડવા નિર્દેશ આપ્યો હતો.