મતદાનને દિવસે સોસાયટીઓમાં જમણવાર, રેસ્ટોરાંમાં ડિસ્કાઉન્ટ
20મીના મતદાન માટે સજ્જ થતું મુંબઈ
મતદારોને પ્રોત્સાહન તરીકે મેટ્રોમાં દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત અગાઉ જ થઈ ચૂકી છે
મુંબઇ : મુંબઈ શહેર તા. ૨૦મીએ લોકસભા ચૂંટણીના મતદાન માટે સજ્જ થઈ રહ્યું છે. સંખ્યાબંધ સોસાયટીઓમાં આ દિવસે ખાસ ચૂંટણી નિમિત્તે ગેટ ટૂ ગેધર અને જમણવારના કાર્યક્રમો યોજાયા છે. બીજી તરફ સંખ્યાબંધ રેસ્ટોરામાં તા. ૨૦મી તથા ૨૧મીએ ખાસ ડેમોક્રેસી ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરાયું છે.
રેસ્ટોરાં ઉદ્યોગના એક સંગઠનના જણાવ્યા અનુસાર જે મતદારની આંગળી પર મતદાન કર્યાની નિશાની રુપ ટપકું હશે તેમને ૧૦ ટકા કે તેથી વધારે ડિસ્કાઉન્ટ મળશે. મતદારોને મતદાન માટે પ્રોત્સાહન આપવા માટે આ ખાસ સ્કિમ ઘડી કાઢવામાં આવી છે.
મુંબઇમાં સંખ્યાબંધ ટ્રસ્ટ અને કોઓપરેટિવ રેસિડેન્શિયલ સોસાયટીઓએ પણ આ પ્રકારની પહેલ શરૃ કરી છે. મતદાન કરી આવનારાઓને નાસ્તો અથવા જમણ આપવાની યોજના શહેરના કેટલાક વિસ્તારોની સોસાયટીઓએ જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈની હાલ કાર્યરત ત્રણેય મેટ્રો લાઈન પર મતદાનના દિવસે દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત પણ અગાઉ કરી દેવામાં આવી છે.