વિદ્યાર્થીઓને પહેલાં જ દિવસે શાળામાં યુનિફોર્મ મળવા મુશ્કેલ
મહારાષ્ટ્રમાં શનિવારથી સ્કૂલો શરુ થશે
હજી તો વિદ્યાર્થીઓના માપ પણ નથી લેવાયાં, પહેલાં જ દિવસે શૈક્ષણિક સામગ્રીનું વચન ફોક
મુંબઇ : વિદર્ભને બાદ કરતાં રાજ્યના અન્ય વિસ્તારોમાં શનિવારથી સ્કૂલો શરુ થઈ રહી છે. છતાં હજી યુનિફોર્મના કાપડ પહોંચ્યાં નથી. હજી સુધી વિદ્યાર્થીઓના માપ પણ લેવામાં આવ્યા નથી. આથી વિદ્યાર્થીઓને સમયસર એટલે કે પહેલાં દિવસે ગણવેશ મળશે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ પહેલાંથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને અપાતાં યુનિફોર્મમાં બદલાવ કરાયો છે. ગયા વર્ષ સુધી વિદ્યાર્થીઓને નિયમિત ગણવેશ આપવા પ્રતિ ગણવેશ ૩૦૦ રુપિયા પ્રમાણે અનુદાન સ્કૂલ મેનેજમેન્ટ સમિતીને અપાતું હતું. તેથી સ્કૂલો શરુ થવાના પહેલાં જ દિવસે વિદ્યાર્થીઓને ગણવેશ મળી જતો. પરંતુ આ વર્ષે સરકારે ગણવેશની પોલીસીમાં બદલાવ કર્યો છે. જેને કારણે વિદ્યાર્થીઓને સમયસર ગણવેશ મળી શકે તેવું હાલ લાગતું નથી.
હજી સુધી વિદ્યાર્થીઓના માપ લેવાયાં નથી. આથી સ્કૂલ શરુ થવા સુધીમાં વિદ્યાર્થીઓને માપસર યુનિફોર્મ કેવી રીતે મળી શકશે. કદાચ અંદાજિત માપ ધ્યાનમાં લઈ ગણવેશ સીવવામાં આવશે અને એ જો વિદ્યાર્થીઓને બરોબર નહીં થાય તો વાલીઓનો રોષ શું શિક્ષકોએ ખમવાનો? એવો પ્રશ્ન પણ રાજ્યભરના શિક્ષકો ઉપસ્થિત કરી રહ્યાં છે. વળી તેમાંય સ્કાઉટ ગાઈડના યુનિફોર્મ સીવીને આપવાની જવાબદારી સ્કૂલોને માથે નંખાઈ છે. તે માટે ૧૦૦ રુપિયા સિલાઈ ફી સ્કૂલોને મળશે અને કાપડ પ્રશાસન દ્વારા આપવામાં આવશે, જોકે આ જવાબદારી સ્કૂલોને માથે ન નાંખવાની પણ વિનંતી સ્કૂલોએ પાલિકાને કરી છે.