કાર નદીમાં ખાબકતાં પિતા-પુત્રનું મોત, અન્ય યુવક ડાળખીના સહારે બચી ગયો
- કારમાથી બહાર ઉછળતાં હાથમાં આવેલી ડાળખીના સહારે રાત વિતાવી
- રથયાત્રા માટે ગયેલા પિતાને પાછા લેવા પુત્ર તથા તેનો મિત્ર ગયા હતા નિયંત્રણ ગુમાવતાં કાર ગોવરી નદીમાં ખાબકી આખી રાત વિતાવી
મુંબઇ : નાગપુરમાં કાર ચાલકે કાર પરનું નિયંત્રણ ગુમાવતા કાર બેકાબૂ બની ગોવરી નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પુત્રનો મિત્ર કારમાંથી ઉછળીને બહાર પડયા બાદ એક ડાળખીના સહારે ટકી રહ્યો હતો. જોકે હાલ તે હોસ્પિટલમાં ગંભીર અવસ્થામાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. એવું કહેવાય છે કે રાતના અંધારામાં ખૂબ ઝડપે જતી કાર પરનું નિયંત્રણ ચાલકે ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત થયો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર આ ઘટના ૨૬ તારીખે મધરાતે નાગપુર જિલ્લાના કળમેશ્વર-ગોંડખેરી માર્ગ પર બની હતી. આ ઘટનામાં રવિન્દ્ર ભૈયાજી ટાલે (૩૩) અને ભૈય્યાજી ટાલે (૬૫) નામના પિતા-પુત્રનું મોત થયું હતું જ્યારે રાહુલ ડોમકે (૩૫) ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.
નાગપુરમાં રહેતા ભૈય્યાજી ટાલે શહેરમાં રથયાત્રામાં જોડાવા પાસેના કળમેશ્વર શહેરમાં ગયા હતા. મોડી રાત સુધી તેઓ પાછા ન ફરતા તેમનો પુત્ર રવિન્દ્ર તેના એક મિત્ર રાહુલને સાથે લઇ કારમાં પિતાને લેવા કળમેશ્વર આવ્યો હતો. મોડી રાત્રે પિતાને કારમાં સાથે લઇ ત્રણેય તૌંડાખૈરી ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે પૂરપાટ વેગે કાર બેકાબૂ બની ગઇ હતી અને નદીમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્ર બન્નેનું કારમાં જ ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે કારમાં બેસેલો રાહુલ કારના કાચ ફૂટી જતા બહાર ધકેલાઇ ગયો હતો. આ સમયે ગંભીર ઘવાયેલા રાહુલે એક ઝાડની ડાળખી પકડી લીધી હતી અને આખી રાત ડાળખી પકડી રાખી પોતાનો બચાવ કર્યો હતો.
વહેલી સવારે અમૂક ગામવાસીઓ કામસર બહાર નીકળ્યા ત્યારે તેમને આ અકસ્માતની જાણ થઇ હતી અને તેમણે તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરતા પોલીસની એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સૌ પ્રથમ ગંભીર ઇજાગ્રસ્ત રાહુલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયો હતો અને દુર્ઘટના ગ્રસ્ત કારને નદીમાંથી બહાર કાઢી પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આવ્યા હતા.