ગેટવે ઓફ ઇન્ડિયા પાસે સમુદ્રમાં હીરાના વેપારીની મોતની છલાંગ
ઘાટકોપરના ભાવેશ શેઠ પછી બીજા ગુજરાતી વેપારીનો આપઘાત
મહાલક્ષ્મી પાસે રહેતા સંજય શાહ બે વર્ષથી ડિપ્રેશનમાં હતા, મોર્નિંગ વોકના બહાને ઘરેથી નીકળી ગેટ વે પહોંચી છલાંગ લગાવી
મુંબઇ : મહાલક્ષ્મી મંદિર નજીક રહેતા હીરાના વેપારી સંજય શાહે દક્ષિણ મુંબઇના કોલાબામાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે સમુદ્રમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. બિઝનેસમાં નુકસાન થતા ગત બે વર્ષથી તેઓ ડિપ્રેશનમાં હોવાનું કહેવાય છે. વેપારી મૉર્નિંગ વૉકના બહાને ઘરની બહાર ગયા પછી પાછા આવ્યા નહોતા. પાણીમાંથી તેમનો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. કોલાબા પોલીસે આ મામલે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધી વધુ તપાસ આદરી છે.
કોલાબા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર પ્રમોદ ભોવતેએ જણાવ્યું હતું કે મહાલક્ષ્મી મંદિર પાસે ભૂલાભાઇ દેસાઇ રોડ પર રહેતા મૃતક વેપારી પાસેથી સ્યુસાઇડ નોટ મળી નથી. પરંતુ આર્થિક સમસ્યાને લીધે તેમણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે.
બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં હીરાના વેપારી સંજય શાહ (ઉ.વ.૬૫) ઓફિસ ધરાવતા હતા તેઓ ગઇકાલે પરિવારજનોને મોર્નિગ વોક પર જઇ રહ્યા હોવાનું કહીને ઘરની બહાર ગયા હતા પછી ગેટવે ઓફ ઇન્ડિયા પાસે આવીને સમુદ્રમાં ઝપલાવી દીધું હતું. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
સમુદ્રના જોરદાર મોજાના લીધે તેમને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. દોરડાથી ભારે જહેમત બાદ વેપારીને બહાર કાઢીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
વેપારી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી પીડાતા હતા. બિઝનેસમાં બે-ત્રણ વર્ષથી ભાર નુકસાન થયું હોવાની તેઓ ડિપ્રેશનમાં હતા એવું મૃતકના પરિવારજનોએ પોલીસને જમાવ્યું હોવાનું કહેવાય છે.
બાંદરા-વરલી સી લિંક પર આત્મહત્યા કરવા ગયા, પરંતુ ડ્રાઇવરે ટેક્સી ઉભી ન રાખી
બાંદરા-વરલી સી લિંક પરથી ઘાટકોપરના બિઝનેસમેન ભાવેશ શેઠે નાણાકીય સમસ્યાને લીધે આત્મહત્યા કરી હોવાની ઘટના હજી ભૂલાઇ નથી ત્યાં હીરાના વેપારી સંજય શાહ પણ અહીં આત્મહત્યા કરવા આવ્યા હતા. પરંતુ ડ્રાઇવરે ટેક્સી ઉભી ન રાખતા તેઓ સી લિંક પરથી આત્મહત્યા કરી શક્યા નહોતા. છેવટે ગેટવે ઓફ ઇન્ડિયામાં જઇ સમુદ્રમાં તેમણે જીવન ટૂંકાવી લીધું હતું.
હીરાના વેપારી સંજય શાહ મોર્નિગ વૉકના બહાને ઘરેથી બહાર જઇ ટેક્સીમાં બાદ્રા-વરલી સી લિંક પર આવ્યા હતા. તેમણે પૂજાના ફૂલો ફેકવાના બહાને ડ્રાઇવરને ટેક્સી રોકવાનું કહ્યું હતું.
ટ્રાફિક વિભાગના દ્વારા ભારે દંડ ફટકારવામાં આળશે એવું કહીને ડ્રાઇવરે ટેક્સી ઉભી રાખી નહોતી. આમ તેઓ સી લિંક પરથી આત્મહત્યા કરી શક્યા નહોતા.
પછી વેપારીએ ડ્રાઇવરને કોલાબા ટેક્સી લઇ જવા કહ્યુ ંહતું તેઓ કોલાબામાં ટેક્સીમાંથી નીચે ઉતરી ગયા હતા ત્યાર બાદ થોડી દૂર ચાલીને ગયા બાદ સમુદ્રમાં કૂદકો મારી દીધો હતો, એમ કોલાબા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર પ્રમોદ ભોવતેએ જમાવ્યું હતું.