મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ! ઠાકરે અને ફડણવીસની બંધ બારણે બેઠક
Devendra Fadnavis Raj Thackeray Meeting: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી હલચલ શરુ થઈ ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ છે. આ બંને દિગ્ગજોની મુલાકાત એટલા માટે પણ ખાસ હતી, કારણ કે, દેવેન્દ્ર ફડણવીસ ખુદ રાજ ઠાકરેના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતા.
અડધો કલાક શું વાત થઈ?
આજે સવારે લગભગ 9:30 વાગ્યે ફડણવીસ રાજ ઠાકરેના નિવાસસ્થાન 'શિવતીર્થ' પહોંચ્યા હતા. આ મુલાકાતનું કારણ હજુ પણ રહસ્ય છે. બંને નેતાઓ વચ્ચેની આ બેઠક અડધા કલાકથી વધુ સમય સુધી ચાલી. આ દરમિયાન મનસે નેતા સંદીપ દેશપાંડે અને બાલા નંદગાંવકર પણ હાજર હતા. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની નારાજગી અને તેને લગતી અન્ય રાજકીય ચર્ચાઓની પૃષ્ઠભૂમિમાં આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ત્રીજી વખત સીએમ બન્યા બાદ પ્રથમ મુલાકાત
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સવારે 11:00 વાગ્યે દાદરના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા, તે પહેલાં તેમણે રાજ ઠાકરે સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે આ પહેલી મુલાકાત છે. જોકે, આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગણાવવામાં આવી છે.
અંતર વધતાં જ નિકટતા?
મનસે અને ભાજપ વચ્ચે વધતું અંતર જગજાહેર છે. ભાજપ અને મનસેની વિચારધારાઓ ભલે સમાન હોય, પણ ચૂંટણીઓ સાથે બંને વચ્ચેની નિકટતા વધતી કે ઘટતી નજર આવતી રહી છે. લોકસભા ચૂંટણી દરમિયાન મનસેએ મોદીના ચહેરાને બિનશરતી ટેકો આપ્યો હતો. મહાયુતિના કેટલાક ઉમેદવારો માટે પ્રચાર રેલીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ ઠાકરેએ એકલા વિધાનસભાનો સામનો કર્યો. ત્યારે પણ તેમણે એમ કહીને મૂંઝવણ ઊભી કરી હતી કે મનસેના સમર્થનથી ભાજપના મુખ્યમંત્રી ચૂંટાશે, પરંતુ રાજકીય ગણિત નિષ્ફળ ગયું કારણ કે મનસેનો એક પણ ઉમેદવાર ચૂંટાયો નહોતો.
અજિત પવાર પર ઉઠ્યા હતા સવાલ
તાજેતરમાં જ મનસેની એક રેલીમાં રાજ ઠાકરેએ EVM પર શંકા વ્યક્ત કરી હતી. તેમણે અજિત પવારના મોટી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટાવા પર પણ શંકા વ્યક્ત કરી હતી. એવી જ રીતે તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું. આ બેઠકનું ખાસ મહત્વ છે. જોકે, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી, પરંતુ સ્થાનિક ચૂંટણીમાં રાજ ઠાકરે અને ભાજપ એક સાથે આવે તેવી શક્યતા છે.
રાજ ઠાકરે સાથે મુલાકાત બાદ શું બોલ્યા દેવેન્દ્ર ફડણવીસ?
ભાજપ વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડે જણાવ્યું કે, રાજ ઠાકરેએ સીએમ ફડણવીસને મુંબઈના દાદર વિસ્તારમાં શિવાજી પાર્ક નજીકના તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. જોકે, લાડે આ બેઠક અંગે વધુ કોઈ માહિતી નથી આપી. બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આ રાજકીય મુલાકાત નહોતી.