દેવેન ભારતી મુંબઈના 1લા સ્પે. પોલીસ કમિશનર તરીકે નિયુક્ત
મુંબઈમાં હવે 2 પોલીસ કમિશનર
રશ્મિ શુકલા સામેના કલોઝર રિપોર્ટ કોર્ટે ના સ્વીકારતાં ફડણવીસે પોતાના બીજા નિકટવર્તી માટે ખાસ હોદ્દો ઊભો કર્યો
મુંબઈ : મુંબઈના પહેલા સ્પેશ્યલ પોલીસ કમિશનર તરીકે આઈપીએસ દેવેન ભારતીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યનાં ગૃહ પ્રધાન તરીકેનો પણ અખત્યાર સંભાળતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના માનીતા અધિકારીને મુંબઈ પોલીસમાં ટોચનો હોદ્દો આપવા માટે આ ખાસ નવી જગ્યા ઊભી કરી છે. મુંબઈ પોલીસના ઇતિહાસમાં પહેલીવાર સત્તાના બે સમાંતર કેન્દ્રો ઊભા થતાં પોલીસ તંત્રમાં પણ અસમંજસની સ્થિતિ છે.
વર્ષ ૧૯૯૪ની બેચના આઈ.પી.એસ. અધિકારી દેવેન ભારતી ે હાલમાં વધારાના ડાયરેકટર જનરલ છે. તેઓ અગાઉ શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) હતા.તેઓ ફડણવીસના સૌથી નિકટના પોલીસ અધિકારી પૈકીના એક ગણાય છે.
હાલ મુંબઈ પોલીસ કમિશનરને પાંચ જોઈન્ટ કમિશનર રિપોર્ટ કરે છે. હવે દેવેન ભારતીને કઈ જવાબદારીઓ સોંપાય છે તે અંગે પોલીસ બેડાંમાં ચર્ચા ચાલી રહી છે.
મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન ભાજપ નેતા હૈદર આઝમની પત્ની સામે એફ.આઈ.આર. ન નોંધવાનો આરોપી ભારતી અને અન્ય બે અધિકારી પર થયો હતો. આ કેસ અદાલતમાં પડતર છે.
દેવેન ભારતી સ્ટેટ એન્ટી ટેરરિઝમ ક્વોડ (એ.ટી.એસ.)નું નેતૃત્વ કરી ચૂક્યા છ.ે તે પહેલાં એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) હતા. તેઓ ૨૬/૧૧ના આતંકી હુમલા સહિત શહેરમાં નોંધાયેલા અનેક મોટા ગુનાઓની તપાસમાં પણ સામેલ હતા. ઈન્ડિયન મુજાહિદ્દીન સામે કામગીરી કરનારા અધિકારીઓમાંના એક દેવેન ભારતી ે ૨૬-૧૧ હુમલાનાઆતંકવાદી અજમલ કસાબને ફાંસીની સજા થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી ધરાવનારા અધિકારીઓમાંના એક હતા.
રશ્મિ શુકલાનું પત્તું કટ થતાં ભારતીને તક મળી
રાજકીય અને પોલીસ વર્તુળોમાં ચર્ચા મુજબ ફડણવીસ તેમના અન્ય એક નિકટવર્તી અધિકારી રશ્મિ શુક્લાને મુંબઈ પોલીસમાં ટોચની જવાબદારી સોંપવા ઈચ્છતા હતા. જોકે, રશ્મિ શુક્લા સામે આઘાડીના નેતાઓના ફોન ટેપિંગનો કેસ ચાલતો હોવાથી તેમાં અડચણ સર્જાઈ હતી. આ બાધા દૂર કરવા માટે રાજ્યમાં સત્તા પરિવર્તન પછી ફડણવીસે રશ્મિ શુક્લાને રાજ્ય સરકાર તરફથી આ કેસમાં ક્લિનચીટ અપાવી દીધી હતી. જોકે, પુણેની અદાલતે રશ્મિ શુક્લાના કેસમાં ક્લોઝર રિપોર્ટ સ્વીકારવા ઈનકાર કરી દેતાં ફડણવીસની ગણતરી ઊંધી વળી ગઈ હતી. હવે રશ્મિ શુક્લાનું નામ ક્લિયર થાય તે પહેલાં દેવેન ભારતીને સ્પેશ્યલ પોલીસ કમિશનર પદની લોટરી લાગી ગઈ છે.