એમ્બ્યુલન્સને અકસ્માત છતાં ફેફસાં સાથે ટીમ પુણેથી ચેન્નઈ પહોંચી
ખુદ તબીબ ઘવાયા છતાં ચેન્નઈ પહોંચી સફળ સર્જરી કરી
અકસ્માત બાદ એમ્બ્યુલન્સ નદીમાં ખાબકી, બીજી વેનની રાહ ન જોઈ, ખાનગી કાર બોલાવી ડૉક્ટર ફેફસાં સાથે એરપોર્ટ પહોંચ્યાં
મુંબઈ : પ્રત્યારોપણ માટે પુણેથી ચેન્નઈ તરફ હાર્વેસ્ટ (પ્રત્યારોપણ માટે યોગ્ય રીતે સાચવી રાખેલાં) ફેફસાં લઈને નીકળેલી એમ્બ્યુલન્સનું ટાયર ફાટતાં અકસ્માત થયો હતો. જોકે, ઘાયલ થવા છતાં ડોક્ટર તથા અન્ય ટીમના સભ્યો અન્ય વાહન દ્વારા પુણે એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાથી ચેન્નઈ જઈ ૨૬ વર્ષના યુવકને ફેફસાં પ્રત્યારોપણ કરી નવજીવન આપ્યું હતું. ં પ્રત્યારોપણ માટેનાં ઓર્ગન સામાન્ય રીતે છ કલાક જ કામ આવી શકે તેમ હોય છે અને તેટલા જ સમયમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તે જરુરી હોય છે. આ કેસમાં ડોક્ટરોએ સમયસૂચકતા તથા માનવતા દાખવતાં એક દર્દીેને નવજીવન મળ્યું હતું અને એક અંગદાન વેડફાતું અટક્યું હતું.
૧૯ વર્ષના એક યુવકે આપઘાત કર્યા બાદ તેના સ્વજનોએ તેનાં ફેફસાંનું અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. પિંપરી ચિંચવડની હોસ્પિટલાં ડો. સંજીવ જાધવ અને તેમની ટીમે સર્જરી કરી આ ફેફસાં કાઢી લીધાં હતાં. ફેફસાં લઈ જતી એમ્બ્યુલન્સમાં તેઓ પોતની ટીમ સાથે ગોઠવાઈ ગયા હતા. અહીંથી પુણે એરપોર્ટ પહોંચી તેમણે ચેન્નઈની ફલાઈટ પકડી ત્યાં ૨૬ વર્ષના એક યુવકને આ ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનાં હતાં.
કમનસીબે હેરીસ બ્રિજ પાસે જ સાંજે પાંચ વાગ્યે એમ્બ્યુલન્સનું ટાયર ફાટતાં ડ્રાઈવરે એમ્બ્યુલન્સ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એમ્બ્યુલન્સ બે-ત્રણ વાહનો સાથે અથડાઈ છેવટે ડિવાઈડર સાથે ભટકાઈ હતી. ત્યારબાદ નદીમાં ખાબકી હતી.
આ અકસ્માતમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ડૉક્ટર, જૂનિયર ડૉક્ટર અનેબે ટેક્નિશિયન જખમી થયા હતા. જોકે, તેમને ખ્યાલ હતો કે આ ફેફસાં સમયસર ચેન્નઈ પહોંચે અને ત્યાં ઓપરેશન પાર પડે એ બહુ જરુરી હતી. આથી બીજી એમ્બ્યુલન્સની રાહ જોયા વિના ડૉક્ટરે જખમી અવસ્થામાં જ ખાનગી વાહન બોલાવી પુણે એરપોર્ટ સુધીનો પ્રવાસ કર્યો હતો. ત્યાંથી તેઓ વિમાનમાં ચેન્નઈ પહોંચ્યા હતા. સાંજે ૬.૩૦ ને બદલે રાતે ૮.૩૦ કલાકે ચેન્નઈ પહોંચી તેમણે તત્કાળ હોસ્પિટલમાં ઓપરેશન કરતાં દર્દીને જીવતદાન મળ્યું હતું. ૭૨ દિવસથી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રહેલા દર્દીની તબિયત હવે સુધારા પર હોવાનું જણાવાય છે.