551 કરોડના ખર્ચ છતાં પણ 2 વર્ષમાં રેલવે ટ્રેક ક્રોસ કરતાં 2428 મોત
કલ્યાણ સ્ટેશને સૌથી વધુ ૧૦૨ લોકોના ટ્રેક ક્રોસ કરતાં મોત
સેન્ટ્રલમાં ડોમ્બિવલી અને વેસ્ટર્ન લાઇનમાં વસઈ રોડ સ્ટેશને સૌથી વધુ કિસ્સા નોંધાય છે
મુંબઈ - મુંબઈની રેલવે લાઇનોમાં પાટા ઓળંગનારા લોકોને અટકાવવા માટે ૫૫૧ કરોડ રૃપિયાનો જંગી ખર્ચ થયો હોવા છતાં પાછલા બે વર્ષોમાં થયેલા મોતની ૫,૦૫૮ સંખ્યામાંથી ૨૪૨૮ એટલે કે ૪૮ ટકા પ્રવાસીઓના મોત ટ્રેક ઓળંગવાને કારણે થયા હતા. બાકીના મૃત્યુ ટ્રેનમાંથી પડવાથી, આત્મહત્યા, થાંભલા સાથે અથડાવા જેવા કારણોને લીધે થયા હતા.
રેલવે પાસેથી મળેલા તાજા આંકડા મુજબ પાટા ઓળંગતા થયેલા પ્રવાસીઓના મોતમાંથી વર્ષ ૨૦૨૪માં ૧૧૫૧ લોકોના મોત થયા હતા. સૌથી વધુ કેસ સેન્ટ્રલ રેલવેના કલ્યાણ સ્ટેશને નોંધાયા હતા. જ્યાં ૧૦૨ લોકો ટ્રેક ક્રોસ કરતા પ્રાણ ગુમાવ્યા હતા. વેસ્ટર્ન રેલવે નેટવર્કમાં વસઈ સ્ટેશને ટ્રેક ક્રોસિંગની ઘટનાઓ વધુ નોંધાય છે. ત્યાં મૃતકોનો આંકડો ૨૨૭ હતો. વર્ષ ૨૦૨૩માં ટ્રેક ક્રોસિંગ દરમિયાન મોતનો આંકડો ૧૨૭૭ હતો.
મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશને (એમઆરવીસી) મુંબઈ વેસ્ટર્ન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી) ત્રણ હેઠળ વેસ્ટર્ન રેલવેમાં એવા ૩૪ ઠેકાણા શોધ્યા છે. જ્યાં ટ્રેક ક્રોસિંગ કરનારાઓની સંખ્યા વધારે હોય છે. જેના ઉપાય તરીકે લિન્ક માર્ગ, સબ-વે, એફઓપી વગેરેના બાંધકામ તે ઠેકાણે શરૃ કરી દેવાયા છે. તેમાંથી ૩૦ બાંધકામો પૂરાં થઈ ગયાં છે. તદુપરાંત સેન્ટ્રલમાં ૩૨.૯૧ કિ.મી. અને વેસ્ટર્નમાં ૧૦.૭૫ કિ.મી. એમ કુલ ૪૬ કિ.મી. માર્ગ પર બાઉન્ડ્રી દીવાલ ઊભી કરાઈ છે. જેથી પ્રવાસીઓ ટ્રેક ઓળંગવાનો પ્રયત્ન ન કરી શકે.
એમઆરવીસીના ચેરમેન અને એમડી સુભાષ ગુપ્તાના જણાવ્યાનુસાર નવા રાહદારી બ્રિજ ટ્રેક ક્રોસિંગના કિસ્સા જ નહીં ઘટાડે, પણ દૈનિક પ્રવાસીઓને સ્ટેશને અવરજવરમાં ઘણી રાહત આપશે. જોકે એમઆરવીસી અધિકારીઓ આક્ષેપ કરે છે કે ઉપાય યોજનાઓ હોવા છતાં લોકો રેલવે સ્ટેશને પહોંચવાનો શોર્ટકટ માર્ગ બાઉન્ડ્રી દીવાલ તોડીને અને પાટા પર ચાલતા આવીને કરી લે છે.
ઝોનલ રેલ યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સદસ્ય રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, ધસારાના સમયમાં ઘણા પ્રવાસીઓ ટ્રેનમાંની ભીડથી બચવા પ્લેટફોર્મને બદલે પાટા પરથી ટ્રેનમાં ચઢે છે. જેને લીધે અકસ્માત અને મોતની ઘટનાઓ બને છે. આવા લોકોમાં જાગરૃકતા લાવવા સત્તાવાલાઓએ આવશ્યક પગલાં લેવાની જરૃર છે. રેલ પેસેન્જર એસોસિયેશનના પ્રતિનિધિ મુજબ રેલવે પોલીસ ટ્રેક ક્રોસિંગ અટકાવવા પાટાની આજુબાજુની ગેરકાયદે ઝૂંપડીઓ સામે કાર્યવાહી ઝુંબેશ નિયમિતપણે હાથ ધરે છે. જોકે તેનો કોઈ ફાયદો જણાતો નથી.