શહેરમાં ડેંગ્યુ, મલેરિયા, ચિકન ગુનિયાએ માથ ઊંચક્યુ
કોરોના મહામારી ખતમ થઈ જવાના આરે પણ..
કારણ કે અતિશય ગરમીથી મુંબઈગરા પરેશાન
મુંબઈ : કોરોનાની મહામારીના પ્રકોપ ઓછો થતાં મુંબઈગરાને રાહત થઈ છે. જો કે અત્યારે વધી રહેલી ગરમીના પગલે નાગરિકો પરેશાન છે. આથી કોરોનાના સિવાય અન્ય બીમારી વધી રહી છે. એટલે કે મુંબઈમાં ડેંગ્યુ, મલેરિયા અને ચિકન ગુનિયાએ માથ ઊંચક્યું છે. ગત વર્ષની તુલનામાં આ વખતે ડેંગ્યુ, મલેરિયા અને અન્ય પાણીજન્ય બીમારીનું પ્રમાણ લગભગ ૧૫ ગણુ વધી જવાથી વહીવટીતંત્ર ચિતિત થયું છે.
મુંબઈમાં ઓક્ટોબર મહિનામાં ડેંગ્યુના ૨૫૪ દરદી નોંધાયા હતા. ગયા વર્ષે ઓક્ટોબર સુધી ડેગ્યુના ફક્ત ૧૫ દરદી હતા. આ વર્ષે અત્યાર સુધી ડેંગ્યુના ત્રણ દરદી મૃત્યુ પામ્યા છે અને ચાર જણ લેપ્ટોસ્પાઈરોસિના કારણે મૃત્યુ પામ્યા છે.
ડેંગ્યુ સાથે શહેરમાં મલેરિયાનો પ્રકોપ વધી ગયો છે. મુંબઈમાં જૂન મહિનામાં ૩૫૫ મલેરિયાના દરદી નોંધાયા હતા. તેમાં વધારો થઈને માત્ર જુલાઈ મહિનામાં ૫૫૭ દરદી નોંધાયા હતા.
પાલિકાના આરોગ્ય વિભાગે આપેલા આકડા મુજબ ઓક્ટોબર મહિનામાં મલેરિયાના ૫૭૬, ગેસ્ટ્રોના ૨૪૭ દરદી, લેપ્ટોસ્પાઈરોસિસના ૩૨ દરદી, ડેંગ્યુના ૨૫૪, કમળના ૫૧, ચિકનગુનિયાના ૩૩ તેતમજ એચવન એનવનના આઠ દરદી નોંધાયા હતા.
ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની તુલનામાં ઓક્ટોબર મહિનામાં મલેરિયા અને ડેંગ્યુના દરદીઓમં મોટી સંખ્યામાં વધારો નોંધાયો છે. ઓક્ટોબરમાં દરરોજ ડેગ્યુના સરેરાશ ૧૦ દરદી નોંધાયા છે. મલેરિયાના દરરોજ ૨૧ દરદી નોંધાયા છે.
આ બીમારીઓને રોકવા માટે પ્રત્યેક વોર્ડમાં સંસર્ગ અને અન્ય રોગો બાબતે જનજાગૃતિ કરવામાં આવશે એમ પાલિકાના આરોગ્ય વિભાગના ચીફ મેડિકલ ઓફિસર ડો. મંગલા ગોમારે જણાવ્યું હતું.
અત્યાર સુધી ૩૧ ઓક્ટોબર મહિનામાં મલેરિયાના ૪૫૭૯ દરદી, લેપ્ટોસ્પાઈરોસિસના ૨૧૧, ડેગ્યુના ૭૩૦, ગેસ્ટ્રોના ૨૩૬૪, હેપેટાયરીસના ૨૩૪, ચિકનગુનિયાના ૪૮ અને એચ૧ એન ૧ના ૬૩ નોંધાયા છે.