નાલાસોપારામાં 41 ગેરકાયદે મકાનોનું તોડકામ શરૃઃ 2500 પરિવારો રસ્તા પર
સુપ્રીમ સુધી કેસ ચાલ્યા બાદ છેવટે તોડકામ
૬૦ એકરમાં ઉભા કરવામાં આવેલ 4 માળના મકાનો 9 દિવસમાં જમીન દોસ્ત કરાશે - ચૂંટણીને કારણે કામ ચલાઉ રાહતમળી હતી
મુંબઈ - નાલાસોપારા પૂર્વમાં અગ્રવાલ નગરીના ૪૧ ગેરકાયદે મકાનોના જોરશોરથી તોડકામની આજથી શરૃઆત કરવામાં આવી છે. આને લીધે બેઘર બનેલા ૨૫૦૦ પરિવારો રસ્તા પર આવી ગયા છે.
આ અનધિકૃત મકાનોના રહેવાસીઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. જોકે તેઓને કોઈ જાતની રાહત મળી નહોતી. નાલાસોપારા પૂર્વમાં ૬૦ એકરના જમીન પર ગેરકાયદે ૪૧ મકાનો બાંધવામાં આવ્યા હતા. આમાં ૩૦ એકરની ખાનગી જમીન ઉપર કથિત અતિક્રમણ કરીને બહુજન વિકાસ આઘાડીના માજી કોર્પોરેટર સીતારામ ગુપ્તાએ મકાનોનું બાંધકામ કર્યું હતું. ગુપ્તાની ગયા સપ્ટેમ્બરમાં ઈકોનોમિક ઓફેન્સીઝ વિંગે ધરપકડ કરી હતી.
વસઈ- વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને આ ૪૧ મકાનોના રહેવાસીઓને ઘર ખાલી કરવાની છેલ્લી નોટિસ ગઈ કાલે આવી હતી. ત્યાર પછી આજથી ભારે પોલીસ બંદોબસ્ત નીચે તોડકામ શરૃ કરવામાં આવ્યું હતું. નવ દિવસમાં ચાર- ચાર માળના આ મકાનોનું ડિમોલિશન પૂરું કરવામાં આવશે એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. આ તોડકામ વિધાનસભા ચૂંટણી પહેલાં જ થવાનું હતું. પરંતુ, ચૂંટણી ટાણે મતદારોને વિસ્થાપિત કરી શકાય નહિ તેવા નિયમને પગલે રહીશોને કામચલાઉ રાહત મળી હતી.
નાલાસોપારા-ઈસ્ટમાં અગ્રવાલ નગરમાં ૩૦ એકરનો મોટો પ્લોટ હતો. કેટલાક પ્લોટ ખાનગી ઉપયોગ માટે આરક્ષિત હતા અને કેટલાક પ્લોટ કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડઅને સુએજ પ્લાન્ટ્સ માટે આરક્ષિત હતા. ૨૦૦૬ માં આ જમીન પર ભુતપૂર્વ કોર્પોરેટર સીતારામ ગુપ્તા અને તેમના ભત્રીજા અરુણ ગુપ્તાએ પચાવી પાડી હતી તેવો આરોપ છે. ૨૦૧૦ થી ૨૦૧૨ દરમિયાન આ જમીન પર નકલી બાંધકામ પરવાનગી (સીસી) અને ઓક્યુપન્સી સટફિકેટ (ઓસી) બનાવીને ૪૧ ગેરકાયદેસર ઇમારતો બનાવવામાં આવી હતી. તેમાં બે હજારથી વધુ પરિવારો રહે છે. બોમ્બે હાઈકોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટે આ ઈમારતોને અનધિકૃત જાહેર કરી હતી અને મહાનગરપાલિકાને પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.