ડોંગરીમાં 16માંથી 12 માળ ગેરકાયદે જણાતાં ડિમોલીશન શરુ
કોરોના કાળમાં બિલ્ડીંગ ઊભી કરી દેવાઈ
અગાઉ ચાર માળ તોડાયા બાદ બાકીના આઠ માળ તોડવાની પોલીસ બંદોબસ્ત સાથે શરુઆત
મુંબઈ - ડોંગરીના ફર્સ્ટ ફ્લેંક રોડ પર આવેલી 'ઈકોનોમિક હાઉસ' નામની ૧૬ માળની ઈમારતના ૧૨ માળ ગેરકાયદે બંધાયેલા હોવાથી અંતે પાલિકાએ આ ઈમારતના ગેરકાયદે માળ તોડી પાડવાની કાર્યવાહી આરંભી છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર કોરોના કાળમાં આ ઈમારત બનાવવામાં આવી હતી. મૂળ ચારથી પાંચ માળની મંજૂરી ધરાવતી ઈમારતની જગ્યાએ ૧૬ માળની ઈમારત ખડી દેવામાં આવી હતી.
પાલિકાને આ બાબતની ફરિયાદ મળ્યા બાદ તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૨ માળ એટલે કે ૬ થી ૧૬ માળ ગેરકાયદે હોવાનું સ્પષ્ટ થયું હતું. તેથી આ ગેરકાયદે ૧૨ માળનું તોડકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે આ ઈમારતના ચાર ગેરકાયદે માળ તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે બાકીના આઠ માળ તોડી પાડવાની કાર્યવાહી આરંભવામાં આવી છે. આગામી દિવસોમાં આ કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવશે. તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. આ કાર્યવાહી માટે પોલીસની સુરક્ષાની જરૃરિયાત હોવાનું સ્થાનિક વોર્ડ અધિકારીએ જણાવ્યું હતું.