અભિષેક ઘોસાલકર હત્યા કેસમાં સીબીઆઈ અથવા એસઆઈટી તપાસની માંગ

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
અભિષેક ઘોસાલકર હત્યા કેસમાં સીબીઆઈ અથવા એસઆઈટી તપાસની માંગ 1 - image


અભિષેકની પત્ની દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અરજી 

હાલ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ધીમી ગતિએ થઇ રહી હોવાનો આરોપઃ શકમંદોના નાર્કો ટેસ્ટ સહિતની માંગ

મુંબઇ :  શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાલકર હત્યાકેસની તપાસ એસઆઇટી અથવા સીબીઆઇ પાસે ટ્રાન્સફર કરવાની વિનંતી કરતી અરજી તેજસ્વી ઘોસાલકરે બોમ્બે હાઇકોર્ટમાં કરી છે.

જસ્ટિસ રેવતી મોહિતે ડેરે  અને જસ્ટિસ મંજૂશા દેશપાંડેની ખંડપીઠે પોતાની અરજીની નકલો રાજ્ય સરકારને એક સપ્તાહની અંદર મોકલવાના નિર્દેશ તેજસ્વી ઘોસાલકરને આપ્યા હતા. હવે પછીની સુનાવણી ૨૨મી એપ્રિલ કરવામાં આવશે.

શિવસેનાના (ઉદ્ધવ જૂથ) નેતા અને ભૂતપૂર્વ વિધાનસભ્ય વિનોદ ઘોસાલકરના પુત્ર અભિષેક ઘોસાલકરની બોરીવલીમાં ૮મી ફેબુ્રઆરીએ રાતે ૯.૩૦ કલાકે ફેસબુકના એક લાઇવ સેશન દરમ્યાન ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અભિષેક પર કથિત રીતે ગોળી ચલાવનારો મોરિસ  નોરોન્હાએ પછી થોડી વારમાં આપઘાત કર્યો હતો. મામલાની તપાસ કરવા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે બે ટીમની રચના કરી છે.  હત્યાની તપાસ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગંશન ટીમ (એસઆઇટી)ની રચના કરવા મુંબઇના કમિશનર ઓફ પોલીસ સહિત  વિવિધ સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી હતી તેવું તેજસ્વી ઘોસલકરે પોતાની બોમ્બે હાઇકોર્ટને કરેલી અરજીમાં કહ્યું હતું. કોઇ પગલાં ભરાયા નથી. મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન સમક્ષ પણ પોતે રજૂઆત કરી હતી તેવું તેજસ્વીએ કહ્યું હતું.

નોરોન્હાના બોડીગાર્ડ અમરેન્દ્ર કુમાર મિશ્રા અને મેહુલ પટેલ અને સંજય આચાર્ય જેવા અન્યો સામે પણ તેજસ્વીએ આક્ષેપો કર્યા હતા. તપાસ ધીમી ચાલી રહી છે તેવો દાષો કરતા તેજસ્વીએ કહ્યું કે આવા કેસમાં સમય ગુમાવ્યા વગર તપાસ કરવા જરુરી છે આથી સ્વતંત્ર તપાસ એજન્સીને કેસ ટ્રાન્સફર કરવો જોઇએ. શકમંદોના બ્રેઇન મેપિંગ, લાઇ ડિટેકટર ટેસ્ટ અને નાર્કો એનેલિસિસ સહિતની બિનપક્ષપાતી તપાસ  કરવાની તેણે વિનંતી કરી હતી મિશ્રાની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.

સ્વતંત્ર તપાસ એજન્સીને કેસ ટ્રાન્સફર કરવામાં આવે તે પછી પખવાડિક રિપોર્ટ રજૂ કરવામાં આવે તેવી માગણી પણ તેજસ્વીએ કરી હતી. એસઆઇટીના  વડા તરીકે ડીસીપી રેન્કના અધિકારીની નિમણૂક થવી જોઇએ તેવી માંગણી તેજસ્વી ઘોસાલકરે કરી હતી.



Google NewsGoogle News