મકાનના સમારકામમાં વિલંબ એ ભાડૂતોની કનડગત કહેવાય: હાઇ કોર્ટ
મુંબઈ મહાનગરપાલિકાને હાઈકોર્ટનો ઠપકો
શેરબજાર નજીકની હોટેલના માલિક અને અન્યોએ ધા નાખીઃ પાલિકાની બેદરકારીના દસ્તાવેજો જોઈ હાઈકોર્ટ દિગ્મૂઢ
મુંબઈ : જૂના મકાનના સમારકામમાં વિલંબ કરવો એ ભાડૂતની કનડગત સમાન ગણાય એમ બોમ્બે હાઇકોર્ટે મુંબઈ મહાપાલિકાએ મુંબઈ મહાપાલિકાને ઠપકો આપતા જણાવ્યું હતું.
દક્ષિણ મુંબઈમાં ફોર્ટ એરિયામાં શેરબજાર નજીક નગીનદાસ માસ્તર રોડ પર બે માળના એક્સો વર્ષ જૂના ડી. જે. ચેમ્બર્સ બિલ્ડિંગના ભોંયતળિયે આવેલી એક રેસ્ટોરાંના ભાગીદાર અને અન્ય દુકાનોના માલિકોએ સમારકામમાં વિલંબને લગતી બીજી પિટિશન નોંધાવી છે તેનો જવાબ આપવા એડિશનલ મ્યુનિસિપલ કમિશનરને હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અજય ગડકરી અને કમલ ખાતાએ આદેશ આપ્યો હતો.
મહાપાલિકાની ટેક્નિકલ એડ્વાઇઝરી કમિટીએ ૨૦૨૩ના જુલાઈમાં ૧૦૦ વર્ષ જૂના આ બે માળના મકાનને આંશિક રીતે બિનસલામત/જોખમી (સી-ટુ-એ) શ્રેણીમાં મૂક્યું હતું. આ મકાનના માળખામા ં મોટાપાયે સમારકામની જરૃરિયાત હોવાનું જણાવ્યું હતું.
આમ છતાં જૂના મકાનના સમારકામ માટે મકાન માલિકે કોઈ પગલા ન લેતા અરજદારોએ ઓક્ટોબર ૨૦૨૩માં હાઇકોર્ટમાં ધા નાખી હતી. ત્યાર બાદ હાઇકોર્ટના આદેશ અનુસાર તેમણે જાન્યુઆરી ૨૦૨૪માં ભાડૂતોએ જગ્યા ખાલી કરી દીધી હતી. ત્યાર પછી ૨૮મી જૂને હાઇ કોર્ટે બીએમસીને પાંચ જુલાઈ સુધીમાં બધી જ પરવાનગીઓ આપી દેવાનો અને ઓગસ્ટ સુધીમાં સમારકામ શરૃ કરવાનો આદેશ આપ્યો હતો અને આ પિટિશનનો નિકાલ કર્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલા મકાન માલિક ઇરિશમાન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડની અપીલ નામંજૂર કરી હતી.
ત્યાર બાદ અરજદારો વતી કોર્ટને જણાવાયું હતું કે સમારકામ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવ્યા છતાં મકાનનું સમારકામ શરૃ કરવામાં આવ્યું નથી. મહાપાલિકા તરફથી જેજે આવશ્યક બાબતોની માગણી કરવામાં આવી છે તે મકાન માલિકે સંતોષી નથી.
નામદાર ન્યાયમૂર્તિઓએ આ કેસને લગતા રેકોર્ડ તપાસીને જણાવ્યું હતું કે બીએમસીના જુદા જુદા આસિસ્ટન્ટ એન્જિનિયરોએ અરજદારો તેમ જ પ્રતિવાદી મકાનમાલિકને અવારનવાર જુદી જુદી આવશ્યક પરવાનગી અને જરૃરિયાતો પૂરી કરવાની માગણી જોઈને અમે આશ્ચર્યચકિત નહીં દિગ્મૂઢ બની ગયા છીએ. અરજદારો અને પ્રતિવાદીને એક જ સમયે એકસાથે બોલાવીને નિવેડો લાવવામાં આવે એવું શાણપણ કેમ ન દેખાડયું પાલિકાએ? આ રીતે જુદા જુદા સમયે નોટિસો મોકલીને જરૃરિયાતો પૂરી કરવાનું કહેવું એ પ્રથમદ્રષ્ટિએ નાગરિકોની કનડગત કરવા બરાબર છે, એવું અમને લાગે છે.
પાલિકાના વકીલ તરફથી કોર્ટને જણાવાયું હતું કે આ મકાન એએમસી (આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર)ના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને એમના હાથ નીચે પાલિકાના સંબંધિત અધિકારીઓ ફરજ બજાવે છે. આથી કોર્ટે એએમસીને ચાર સપ્તાહમાં વિગતવાર જવાબ નોંધાવવાની તાકીદ કરી આ કેસની આગામી સુનાવણી ૨૧મી નવેમ્બરે રાખી હતી.