મુંબઈમાં ગુજરાતીઓનું પ્રભુત્વ ધરાવતી બેઠકમાં પરાજયથી ભાજપમાં સન્નાટો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
મુંબઈમાં ગુજરાતીઓનું પ્રભુત્વ ધરાવતી બેઠકમાં પરાજયથી ભાજપમાં સન્નાટો 1 - image


Lok Sabha Elections 2024: મુંબઈનાં પરિણામો ભાજપ-શિંદેની શિવસેના તથા અજિત પવારની એનસીપીની શાસક યુતિ માટે બેહદ આંચકાજનક સાબિત થયાં છે. અહીંની છ બેઠકમાંથી ભાજપે ત્રણ બેઠક પર મેદાનમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેને માત્ર એક જ બેઠક મળી છે જ્યારે ગત ચૂંટણીમાંમ મળેલી બે બેઠકો ગુમાવવી પડી છે. એ જ રીતે શિંદે જૂથને એક જ બેઠક અને તે પણ ભારે નાટયાત્મક ઘટનાક્રમ વચ્ચે રિકઉન્ટિંગ બાદ 48 મતની સરસાઈથી મળી છે. કસાબ કેસથી જાણીતા વકીલ ઉજ્જવલ નિકમે કોંગ્રેસ સામે હાર ખમવી પડી છે. બીજી તરફ સાઉથ અને સેન્ટ્રલ મુંબઈમાં ઉદ્ધવ જૂથે શિંદે જૂથને ધોબીપછાડ આપી છે. ઘાટકોપર અને મુલુંડ જેવા ગુજરાતી વિસ્તારો ધરાવતી ઈશાન બેઠકમાં હારથી ભાજપને ભારે આંચકો લાગ્યો છે અને અહીં પરાજયની કળ વળતાં પણ લાંબો સમય લાગશે. 

મુંબઈ નોર્થ પિયુષ ગોયલ જીત્યા પણ લીડ ઘટી 

બોરીવલી અને કાંદિવીલ જેવા ગુજરાતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોની બેઠક મુંબઈ ઉત્તર પર કેન્દ્રીયમંત્રી પિયુષ ગોયલ વિજેતા બન્યા છે. તેમને ૩૫૩૨૫૬ મત મળ્યા છે. આ બેઠક આમ પણ ભાજપ માટે સલામત ગણાતી હતી. ગઈ ચૂંટણીમાં ભાજપના ગોપાલ શેટ્ટીએ આશરે સાડા ચાર લાખ મતની સરસાઈથી અભિનેત્રી ઉર્મિલા માર્તોડકરને હરાવી હતી. ઉર્મિલાની સરખામણીએ આ વખતે કોંગ્રેસે બહુ ઓછા જાણીતા ભૂષણ પાટીલને ટિકિટ આપી હતી તેમ છતાં પણ  ભાજપની સરસાઈ આશરે  એક લાખ જેટલી ઘટી છે. તો પણ આ એક જ બેઠક એવી છે જ્યાં ભાજપનો એકદમ આસાન વિજય થયો છે. 

મુંબઈ ઉત્તર પશ્ચિમ : હાઈડ્રામા બાદ 48 મતે જીત 

મુંબઈ ઉત્તર પશ્ચિમની બેઠક પરથી એકનાથ શિંદેની શિવસેનાએ ગત હજુ લોકસભા ચૂંટણી જાહેર થવાના થોડા દિવસો પહેલાં જ ઉદ્ધવ સેના છોડીને જોડાયેલા જોગેશ્વરીના ધારાસભ્ય  રવિન્દ્ર વાયકરને ટિકિટ આપી હતી. તેની સામે ઉદ્ધવ સેનાએ આ બેઠકના શિંદે જૂથના વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર અમોલને જ ટિકિટ આપી હતી. હજુ થોડા મહિના પહેલાં જ બીએમસીએ રવિન્દ્ર વાયકર સામે હોટલ કૌભાંડમાં એફઆઈઆર નોંધાવી હતી. તે પછી ઈડી તથા આઈટી જેવી કેન્દ્રીય એજન્સીઓએ વાયકરને ત્યાં દરોડા પણ પાડયા હતા. વાયકર ઉદ્ધવ જૂથ છોડી શિંદે સેનામાં જોડાયા ત્યારે ચોખ્ખેચોખ્ખું બોલ્યા હતા કે કેન્દ્રીય  એજન્સીઓની આંચથી બચવા માટે જ પોતે પક્ષાંતર  કર્યું છે. શિંદે જૂથ પાસે છેલ્લી ઘડી સુધી આ બેઠક માટે કોઈ ઉમેદવાર જ ન હતા એટલે વાયકર જેવા ખરડાયેલા તથા હજુ થોડા દિવસો પહેલાં જપાટલી બદલીને આવેલા નેતાને ટિકિટ આપી હતી. મતગણતરી વખતે અમોલ કીર્તિકર અને વાયકર  વચ્ચે કસોકસનો જંગ જોવા મળ્યો હતો .એક તબક્કે અમોલ કીર્તિકર 681 મતે વિજેતા જાહેર થયા હતા. આ વખતે વાયકરે રિકાઉન્ટિંગની માગણી કરી હતી. અગાઉ બાદ થયેલા પોસ્ટલ મતો પણ ગણાતાં છેવટે વાયકરને 48 વધુ મત મળ્યા હતા આ રીતે મુંબઈની આ એકમાત્ર બેઠક શિદે જૂથને ફાળે ગઈ હતી. 

મુંબઈ ઉત્તર મધ્યા : જનતાની અદાલતમાં એડવોકેટ હાર્યા

મુંબઈ ઉત્તર મધ્યની બેઠક પર ભાજપે પૂનમ મહાજનની ટિકિટ કાપ્યા બાદ દિવસો સુધી ઉમેદવારની સર્ચ ચલાવી હતી. છેલ્લી ઘડીએ કસાબ કેસથી જાણીતા ઉજ્જવલ નિકમને મેદાને ઉતારાયા હતા. બીજી તરફ કોંગ્રેસે ધારાવીના મહિલા ધારાસભ્ય વર્ષા ગાયકવાડને ટિકિટ આપી હતી. ચૂંટણી પરિણામોમાં જણાય છે તેમ વિલે પાર્લે જેવા ગુજરાતી વસતી ધરાવતા વિસ્તારમાં નિકમને સારી લીડ મળી હતી. પરંતુ, બાન્દ્રા ઈસ્ટ અને ચાંદિવલી જેવા વિસ્તારોમાં નિમ્ન મધ્યમવર્ગીય તથા સ્લમ્સ ઉપરાંત લઘુમતી વિસ્તારોમાં થયેલાં જંગી મતદાનને કારણે વર્ષા ગાયકવાડ ૧૬ હજાર મતે જીતી ગયાં હતાં. આમ ભાજપ ૨૦૧૯માં જીતેલી ે પોતાની બેઠક કોંગ્રેસ સામે ગુમાવી હતી. 

મુંબઈ ઉત્તર પૂર્વ : સલામત બેઠક પર પણ ભાજપ હાર્યું 

મુંબઈ ઉત્તર પૂર્વની બેઠક ભાજપ માટે સદા સલામત ગણાતી આવી છે. અહીં મિનિ કચ્છ તરીકે ઓળખાતા મુલુંડ તથા મિનિ સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા ઘાટકોપર જેવા ગુજરાતીઓની બહોળી વસતી ધરાવતા વિસ્તારો આવેલા છે. ભાજપે ગુજરાતી ઉમેદવાર અને મુલુંડના વર્તમાન ધારાસભ્ય મિહિર કોટેચાને જ ટિકિટ આપી હતી. તેની સામે ઉદ્ધવ જૂથે સંજય દીના પાટીલને ટિકિટ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર મુંબઈમાં માત્ર ઘાટકોપરમાં જ રોડ શો  કર્યો હતો . જોકે, મુલુંડ તથા ઘાટકોપર  ઈસ્ટ જેવા ગુજરાતીઓના વિસ્તારોમાં મિહિર કોટેચાને મહત્તમ મતો મળવા છતાં પણ માનખુર્દ જેવા મિક્સ વસતી ધરાવતા વિસ્તાર તથા વિક્રોલી સહિતના વિસ્તારોમાં  ઉદ્ધવ જૂથના મતો અકબંધ રહેતાં અને મુસ્લિમ મતો પણ ઉદ્ધવ તરફ વળતાં ઉદ્ધવ જૂથનો ૨૯ હજાર મતે વિજય થયો હતો.

સાઉથ મુંબઈઃ ઓછાં મતદાનમાં પણ ઉદ્ધવ જૂથનો ફાયદો 

મલબાર હિલ, કોલાબા, ભાયખલ્લા જેવા વિસ્તારો ધરાવતી સાઉથ મુંબઈની બેઠકમાં સૌથી ધનાઢ્ય મુંબઈગરાઓની સાથે સાથે કાલબાદેવી અને ભૂલેશ્વરના મધ્યમવર્ગીય વિસ્તારો સામેલ છે. આ બેઠક પર દાયકાઓથી કોંગ્રેસના મિલિન્દ દેવરા તથા તે પહેલાં તેમના  પિતા મુરલી દેવરાનું વર્ચસ્વ રહ્યું હતું. હવે શિંદે જૂથમાં જોડાઈ ગયેલા મિલિન્દર દેવરા અહીં લડવા માગતા હતા. પરંતુ શિંદે જૂથે તેમને બદલે ભાયખલ્લાના ધારાસભ્ય યામિની જાધવને ટિકિટ આપી હતી. ઉદ્ધવ જૂથે ગત ચૂંટણીમાં દેવરાને હરાવનારા અરવિંદ સાવંતને ટિકિટ આપી હતી. આ બેઠક પર મુંબઈનું સૌથી ઓછું 50 ટકા મતદાન થયું હતું. ઉચ્ચ મધ્યમવર્ગીય મતદારો મતદાનથી વિમુખ રહ્યા હતા. ઓછાં મતદાનમાં ઉદ્ધવ જૂથે પોતાના કમિટેડ મતો જાળવી રાખતાં અઅરવિંદ સાવંતનો 52,673 મતે વિજય થયો હતો. યામિની જાધવ અગાઉ શેલ કંપની કૌભાંડમાં વગોવાઈ ચૂક્યાં હોવાથી તેનુ ંપણ તેમને નુકસાન થયું હતું. 

સાઉથ સેન્ટ્રલમાં ઉદ્ધવે હોમગ્રાઉન્ડ જાળવ્યું

શિવસેનાની સ્થાપના તથા હેડક્વાર્ટર જે વિસ્તારમાં આવેલા છે તેવાં મધ્ય દક્ષિણમાં ઉદ્ધવ જૂથે પાર્ટીના વેટરન અનિલ દેસાઈને ટિકિટ આપી હતી. તેમનો મુકાબલો બે ટર્મથી સંસદ સભ્ય શિંદે જૂથના રાહુલ શેવાળે સામે હતો. સાયન તથા દાદર સહિતના વિસ્તારો ધરાવતી  આ બેઠક પર 2009ને બાદ કરતાં દાયકાઓથી શિવસેના  જીતતી આવી છે. આ વખતે પણ અનિલ દેસાઈએ ૫૩ હજાર મતોથી શેવાળેના હરાવી અસલી શિવસેના તો ઉદ્ધવની જ છે તે સાબિત કરી આપ્યું હતું. 


Google NewsGoogle News