દીપક કોચરની ડિમાન્ડ, મારી પણ ઓફિસ અવર્સમાં જ પૂછપરછ કરો
3200 કરોડ ના વીડિયો કોન કૌભાંડના આરોપીની માંગ
ઈડીએ આવો સર્ક્યુરલ પ્રગટ કરતાં સિરિયલ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ માટે પણ તે લાગુ પાડવાનો હુકમ આપવા હાઈકોર્ટમાં અરજી
મુંબઈ : ઈડીએ તાજેતરમાં ઓફિસ અવર્સ દરમ્યાન પૂછપરછ હાથ ધરવાનો અધિકારીઓને સૂચના આપતું પરિપત્રક બહાર પાડયું છે. તેવામાં વિડિયોકોન કેસમાં તપાસનો સામનો કરી રહેલા દીપક કોચરે સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઈઓ) માટે પણ આવો નિર્દેશ માગતી અરજી બોમ્બે હાઈ કોર્ટમાં કરી છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આવી પૂછપરછ ઓફિસના કલાકો દરમ્યાન જ કરવાનું આંતરિક પરિપત્રક ઈડીએ તાજેતરમાં જારી કર્યું છે. આઈસીઆઈસીઆઈ બેન્કના માજી સીઈઓ ચંદા કોચરના પતિ દીપક કોચરે હવે એસએફઆઈઓ માટે પણ આવા નિર્દેશ માગ્યા છે. કોર્ટે પચ્ચીસમી ઓક્ટોબરે દીપક કોચર સામે આકરાં પગલાં નહી લેવાનો આદેશ આપીને વચગાળાની રાહત આપી હતી.
એસએફઆઈઓએ કોર્ટમાં ખાતરી આપી હતી કે ઓફિસ કલાકો બાદ પૂછપરછ કરાશે નહીં ત્યાર બાદ કોર્ટે આદેશ આપ્યો હતો.
વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ અને ૧૨ એસોસિયેટ કંપનીઓના કામકાજની તપાસ ચાલી રહી છે. જુલાઈ ૨૦૨૧માં સરકારે તપાસ શરૃ કરી હતી. જેમાં બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પદે કાર્યરત ચંદા કોચર હતા ત્યારે વિડિયોકોન ગુ્રપને આઈસીઆઈસીઆઈ બેન્કે રૃ. ૩,૨૦૦ કરોડની લોન આપવા સંબંધી કેસનો સમાવેશ છે.
કોચરને ૨૨ ઓક્ટોબરે ૧૨ કલાક પૂછપરછ કરાઈ હતી. ૨૮ ઓક્ટોબરે ફરી તેમને પૂછપરછ માટે બોલાવતાં તેમણે કોર્ટ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી.કોચરના વકિલે દલીલ કરી હતી કે એસએફઆઈઓને ઓફિસ કલાકો બાદ અટકાયત કે પૂછપરછ કરવાની પરવાનગી હોવી જોઈએ નહીં. કોચરને ધરપકડનો સામનો કરવો પડે એવો ભય પણ વ્યક્ત કરાયો હતો. કોર્ટે વધુ સુનાવણી ૧૩ નવેમબર પર રાખી છે.