ફરજિયાત હિન્દીનો નિર્ણય મુલત્વી, આજકાલમાં નવો જીઆર
રાજ્યના શિક્ષણ પ્રધાનની સત્તાવાર જાહેરાત
વિપક્ષોના આકરા વિરોધને પગલે સરકાર પાણીમાં બેઠી, અન્ય ભાષાનો વિકલ્પ અપાશે
મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ ૧થી ૫ ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાના તેના આદેશને મુલત્વી રાખી દીધો છે. રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન દાદા ભૂસેએ મંગળવારે જણાવ્યું હતું કે આ મામલે સુધારાયેલો સરકારી ઠરાવ (જી. આર) જારી કરવામાં આવશે. વિપક્ષોના આકરા વિરોધને પગલે મહારાષ્ટ્ર સરકારે આ મુદ્દે પારોઠનાં પગલાં ભર્યાં છે.
રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાના ગયા અઠવાડિયે નિર્ણય લેવાયો હતો. તે સાથે જ વિપક્ષો દ્વારા તેનો આકરો વિરોધ થયો હતો. સરકારે શરુઆતમાં નમતું જોખ્યું ન હતું. પરંતુ બીજી તરફ આ મુદ્દે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે હાથ મિલાવે તેવી શક્યતા ઊભી થઈ હતી.
આથી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક દિવસ પહેલાં જ જાહેર કર્યું હતું કે હિન્દી ફરજિયાત નહીં કરાય અને વિદ્યાર્થીઓને ત્રીજા ભાષા તરીકે કોઈપણ પ્રાદેશિક ભાષાનો વિકલ્પ અપાશે.
હવે શિક્ષણ પ્રધાન દાદા ભૂસેએ પણ સ્વીકાર્યું છે કે નવી શિક્ષણ નીતિ અનુસાર ત્રીજી ભાષા તરીકે હિન્દી ભાષા ફરજિયાત નથી. બાળકોને અન્ય ભાષાનો વિકલ્પ અપાશે.
મહારાષ્ટ્ર સરકારની લેંગ્વેજ કન્સલ્ટન્સી કમિટીઅ પણ સરકારને આ નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી હતી.