મૃતક મહિલાનો પતિ અલ્લુ સામેની ફરિયાદ પાછી ખેંચવા તૈયાર
જે કાઈ થયું તેમાં અલ્લુ અર્જુનનો દોષ નથી
પોલીસે મારી ફરિયાદના આધારે અલ્લુની ધરપકડ થઈ રહ્યાની જાણજ નથી કરીઃ તેના કારણે ભાગદોડ નથી થઈ
મુંબઇ : હૈદરાબાદમાં 'પુષ્પા ટૂ'ના પ્રિમિયર શોમાં ભાગદોડ દરમિયાન મહિલાના મોતના કેસમાં ફિલ્મના હિરો અલ્લુ અર્જુનની ધરપકડ થયા બાદ આ મહિલાના પતિએ જણાવ્યું હતું કે પોતે પોતાની ફરિયાદ પાછી ખેંચવા તૈયાર છે.
આ ભાગદોડમાં રેવતી નામની મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેના આઠ વર્ષીય પુત્રને ગૂંગળામણની અસર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આજે અલ્લુ અર્જુનની ધરપકડ થયા બાદ રેવતીના પતિ મગુદામપલ્લી ભાસ્કરે મીડિયાને કહ્યું હતું કે પોતે આ કેસમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેશે.
ઉલ્લેખનીય છે કે ભાસ્કરે નોંધાવેલી એફઆઈઆરના આધારે જ અલ્લુ અર્જુનની ધરપકડ થઈ છે.
ભાસ્કરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા પુત્રને ફિલ્મ જોવી હતી એટલે અમે સંધ્યા થિયેટર ગયા હતા. અમે એ દિવસે ત્યાં હતા તેમાં અલ્લુ અર્જુનને કોઈ લેવાદેવા ન હતી. થિયેટર પર ભાગદોડ થઈ તેમાં અલ્લુ અર્જુનનો વાંક જ ન હતો.
ભાસ્કરે કહ્યું હતું કે મારી ફરિયાદના આધારે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ છે પરંતુ પોલીસે મને તે વિશે જાણ કરી નથી. મને ટીવી પર અહેવાલો જોયા બાદ ખબર પડી હતી.