ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં મૃત્યુ આંક વધીને 14 : 2જા દિવસે પણ રેસ્ક્યૂ ચાલુ
એનડીઆરએફના 100 જવાન તૈનાત, 500 ટન ની 2 ક્રેન કામે લગાડાઈ
દુર્ઘટનામાં કુલ 75 ઘાયલઃ એડ એજન્સી સામે ગુનો દાખલ કરાયોઃ કાટમાળમાં જગ્યા કરીને ટીમો અંદર મૃતદેહો શોધવા ઉતરી
મુંબઇ : ઘાટકોપરમાં ગઇકાલે વરસાદ અને સુસવાટાભર્યા વચ્ચે હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં મૃતકના આંકડો વધીને ૧૪ થઇ ગયો છે. જ્યારે અન્ય ૭૫ ઘાયલ છે. આ બનાવના એક દિવસ પછી પણ બચાવ અનેશોધખોળની કામગીરી ચાલું રાખવામાં આવી છે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. આજે મોટાભાગે વિશાળ ક્રેનો બોલાવી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. બીજી તરફ મુંબઇ પોલીસ કમિશનરે આ ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. પોલીસે હોર્ડિંગ લગાડનારી એડ એજન્સી ઈગો મીડિયા સામે ગુનો દાખલ કર્યો હતો.
ઘાટકોપર (પૂર્વ)માં છેડા નગર, સેકટર-૩, રિક્રિએશન સેન્ટર પાસે ગઇકાલે સાંજે ૪.૩૦ વાગ્યે અનધિકૃત વિશાળ હોર્ડિંગ પતાના મહેલના માફક તૂટીને પેટ્રોલ પંપ પર પડયું હતું. વરસાદથી બચવા અનેક લોકોએ અહીં આશરો લીધો હતો જ્યારે પેટ્રોલ, ડિઝલ, સીએનજી ભરાવવા અનેક વાહનોની લાઇન લાગી હતી.
હોર્ડિગના કાટમાળ નીચે લોકો દબાઇ ગયા હતા. પોલીસ, ફાયરબ્રિગેડ, પાલિકા, નેશનલ ડિસાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથધરી કાટમાળમાંથી ૮૯ લોકોને બહાર કાઢ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં ૧૪ જણ મોતને ભેટયા છે. જ્યારે સારવાર બાદ ૩૨ને રજા આપવામાં આવી હતી. અન્યને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે રેસ્ક્યુ ટીમને ગેસ કટરનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થઇ હતી. પેટ્રોલ પંપમાં આગ લાગવાની અને વિસ્ફોટ થવાની શક્યા હતી.
એનડીઆરએફની બે ટીમમાં ૧૦૦ જવાન બચાવ કામગીરીમાં જોડાયા હતા. અગ્નિ શામક દળે ૧૨ ફાયર એન્જિન, બે આર વ્હી, એક સીપી, એક એચપીએલવ્હી, એક એમએફટી, એક સીએફઓ, બે ડીસીએફઓ, બે એડીએફઓ પાંચ સિનિયર એએસઓ, છ એસઓ, પચ્ચીસ એમ્બ્યુલન્સનો સર્ચઓપરેશનમાં ઉપયોગ કર્યો હતો.
એનડીઆરએફની ટીમે બંને બાજુથી હોર્ડિંગ ઉપાડવા માટે ૫૦૦ ટન વજનની બે ક્રેનનો ઉપયોગ કર્યો હતો.
એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડર નિખિલ મુધોલકરે જણાવ્યું હતું કે કાટમાળમાં અંદાજે ચાર ફૂટની જગ્યા કરી રેસ્ક્યુ ટીમે ફસાયેલા લોકોને બચાવવા અંદર ઘૂસી ગઇ હતી.
સોમવારે રાતે શોધખોળ દરમિયાન બે હાઇડ્રોલિક ક્રેન્સથી હોર્ડિંગના ત્રણ ગર્ડર ઊંચકવામાં આવ્યાં હતા. ઘાયલોને મુંબઇ અને થાણેની છ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પોલીસે ગેરકાયદેસર હોર્ડિંગ લગાડનારા મેસર્સ ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના માલિક સામે કલમ ૩૦૪, ૩૩૮, ૩૩૭, ૩૪ હેઠળ ગુનો નોધ્યો હતો.