મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં મોતનું તાંડવઃ નાંદેડમાં વધુ 7, છત્રપતિ સંભાજી નગરમાં 18નાં મોત

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં મોતનું તાંડવઃ  નાંદેડમાં વધુ 7, છત્રપતિ સંભાજી નગરમાં 18નાં મોત 1 - image


સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના ધસારા સામે તંત્ર પાંગળું: દવા-સ્ટાફની અછત મુખ્ય કારણો

નાંદેડમાં 48 કલાકમાં 31નાં મોતઃ બે સિનિયર પ્રધાનો સહિત અધિકારીઓનો કાફલો દોડયોઃ રાષ્ટ્રીય કક્ષાએ મુદ્દો ગાજતાં વિપક્ષની આકરી ટીકાઓ વચ્ચે શિંદે-ભાજપ બચાવની ભૂમિકામાં

ભાજપ પાસે કરોડોના ઝાકઝમાળ પ્રચાર માટે નાણાં છે પણ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સારવાર માટે નાણાં ફાળવાતાં નથીઃ રાહુલ ગાંધી

મુંબઈ :  મહારાષ્ટ્રનની નાંદેડની સરાકરી હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ સાત મોત થયાં છે જ્યારે છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં પણ ૨૪ કલાકમાં ૧૮ મોતના ઘટસ્ફોટથી રાજ્યના આરોગ્ય તંત્રની જીવલેણ બેદરકારી સામે આવી છે.  નાંદેડ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૧૨ નવજાત સહિત કુલ ૨૪ દર્દીનાં મોત અંગે ભારે ઉહાપોહ બાદ તપાસની જાહેરાતો તથા દવાઓની કોઈ અછત નહીં હોવાના સરકારી દાવાઓ વચ્ચે પણ મોતનો સિલસિલો યથાવત  રહેતાં  ૨૪ કલાકમાં વધુ સાત દર્દીઓનાં મોત થતાં હોસ્પિટલમાં ૪૮ કલાકમાં કુલ મૃત્યુઆંક ૩૧ થયો છે. છત્રપતિ સંભાજી નગરમાં બે બાળકો સહિત ૧૮ દર્દીનાં ૨૪ કલાકમાં મોતની ઘટના પણ સામે આવી હતી પરંતુ  હોસ્પિટલ સત્તાવાળાઓએ લૂલો બચાવ કર્યો હતો કે રોજના સરેરાશ દસ મોત થતાં હોય છે. મહારાષ્ટ્રની  સરકારી હોસ્પિટલમાં ટપોટપ મોતનો બનાવ રાષ્ટ્રીય કક્ષાએ ગાજતાં અને રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ પસ્તાળ પાડતાં શિંદે સરકાર અને  સરકારમાં ઘટક પક્ષ એવો ભાજપ રાષ્ટ્રીય કક્ષાએ બચાવની સ્થિતિમાં આવી ગયાં છે. 

નાંદેડની શંકરરાવ ચવ્વાણ હોસ્પિટલમાં ગત રાતે વધુ સાત દર્દીનાં મોત થયાં હતાં. તેમાંથી ચાર બાળ દર્દી હોવાનું જાણવા મળ્યું છે. ૪૮ કલાકમાં કુલ ૩૧ દર્દીનાં મોત થયાં છે તેમાંથી ૧૬ તો નવજાત શિશુઓ છે.  હોસ્પિટલના ડીન ડો. શ્યામરાવ વાકોડે  દવાઓની અછતના આક્ષેપોનો સતત નકારી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર મોટાભાગના દર્દીઓની હાલત ગંભીર હતી અને હોસ્પિટલ દ્વારા તેમનો જીવ બચાવવાના પૂરતા પ્રયાસો થયા હતા. ડીને એમ પણ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા પુખ્ત વયના દર્દીમાંથી મોટાભાગના મૃતક લાસ્ટ સ્ટેજમાં જ હતા. ચારને હાર્ટ એટેક આવ્યો હતો. એકને સર્પદંશ હતો. એકને કીડનીની બીમારી હતી અને ત્રણ અકસ્માતના કેસ હતા. જે બાળ દર્દીઓ મૃત્યુ પામ્યા છે તેમને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં દવાઓ માટે ૧૨ કરોડ રુપિયા ફાળવાયા છે અને વધુ ચાર કરોડ રુપિયાની ફાળવણીની પ્રક્રિયા ચાલી રહી છે. આથી હોસ્પિટલમાં દવાઓની કોઈ અછત ન હતી. 

નાંદેડનો ઊહાપોહ શમે  તે પહેલાં જ છત્રપતિ સંભાજી નગરમાં ૨૪ કલાકમાં ૧૮ મોત થયાનું સામે આવ્યું હતું. તેમાં બે બાળ દર્દીઓનો પણ સમાવેશ થતો હતો.  હોસ્પિટલના ડીન ડો. સંજય રાઠોડે એવો બચાવ કર્યો હતો કે આ હોસ્પિટલમાં ૧૪ જિલ્લામાંથી દર્દી આવે છે. રોજના બે હજાર દર્દીઓ અહીં હોય છે. અનેક દર્દીઓ છેલ્લા સ્ટેજમાં હોય ત્યારે જ સરકારી હોસ્પિટલમાં આવે છે. તેમાંથી સરેરાશ દસ મોત તો રોજ થાય છે. આથી, ૨૪ કલાકમાં મોતનો આંકડો ટકાવારીની રીતે બહુ મોટો નથી. કેટલાક કિસ્સાઓમાં તો દર્દીઓ હોસ્પિટલમાં આવે તે પહેલાં જ મૃત્યુ પામી ચૂક્યા હોય છે. પરંતુ, આ મોત પણ હોસ્પિટલના ચોપડે જ ગણાઈ જાય છે. તેમણે કબૂલ્યું હતું કે ક્યારેક ક્યારેક હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાય છે પરંતુ તેના કારણે કોઈ દર્દીનો જીવ જોખમમાં ન મૂકાય તે પણ અમે સુનિશ્ચિત કરતા હોઈએ છીએ. આ હોસ્પિટલ છ દાયકાથી ચાલે છે અને કોઈએ તેના વિશે અફવાઓ ફેલાવવી જોઈએ નહીં.  હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. વિજય કલ્યાણકરે પણ કહ્યું હતું કે જીએમસીએચ હોસ્પિટલમાં ગયા મહિને ૪૦૦  દર્દીનાં મોત થયાં હતાં તેમાંથી ૧૦૦ તો મૃત્યુ પામેલી હાલતમાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. 

દરમિયાન રાજ્ય સરકારની મંત્રીમંડળની આજે મળેલી બેઠકમાં પણ નાંદેડના મૃત્યુનો મુદ્દો ચર્ચાયો હતો. મુખ્યપ્રધાન  એકનાથ શિંદેએ કહ્યું હતું કે સમગ્ર બનાવની તપાસ કરી યોગ્ય પગલાં લેવાશે. 

નાંદેડ જવા રવાના થયેલા તબીબી શિક્ષણ પ્રધાન હસન મુંશ્રીફે જણાવ્યુ ંહતું કે આ બહુ કમનસીબ ઘટના છે. આવું બનવું જોઈતું ન હતું. રાજ્ય સરકાર એક એક દર્દીનાં મોત વિશે તપાસ કરશે. કોઈપણ જવાબદાર જણાશે તેમની સામે પગલાં લેવાશે. 

મહારાષ્ટ્ર સરકારના મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ ડાયરેક્ટર ડો. સંદીપ મહીસ્કરે કહ્યું હતું કે નાંદેડની ઘટના અંગે છત્રપતિ સંભાજી નગરના ત્રણ તબીબી નિષ્ણાતોની એક ટીમ રચવામાં આવી છે. આ ટીમ આજે દિવસ દરમિયાન તપાસ કરી પ્રાથમિક અહેવાલ મોકલી આપશે. 

હોસ્પિટલમાં મોતની ઘટનાથી સરકાર પર રાષ્ટ્રીય કક્ષાએથી પસ્તાળ પડી રહી છે. કોંગ્રેસના નેતા  રાહુલ ગાંધી, પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા  અન્ય સંખ્યાબંધ વિપક્ષી નેતાઓએ ભાજપની ભાગીદારી ધરાવતી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રની ઉપેક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ ઝાકઝમાળ પ્રચાર પાછળ કરોડો રુપિયા વાપરે છે પરંતુ ગરીબ બાળકોની સારવાર માટે નાણાં ફાળવાતાં નથી.



Google NewsGoogle News