ઈમરજન્સીની રીલિઝ પહેલાં કંગાનાને હત્યાની ધમકી
કંગનાએ પોતે પોલીસને જાણ કરી
ફિલ્મમાં શીખ સમુદાયનાં ખોટાં ચિત્રણ બાબતે ધમકીના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા
મુંબઇ : કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી'માં શીખ સમુદાયનું ખોટી રીતે ચિત્રણ કરાયું હોવા બાબતે પંજાબમાં ભારે વિરોધ જાગ્યો છે અને અનેક સંગઠનો તથા રાજકીય પક્ષોએ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની જાણ કરી છે. હવે કંગનાને આ ફિલ્મ માટે હત્યાની ધમકીઓ પણ મળી રહી હોવાનું કહેવાય છે.
એક વીડિયોમાં કંગનાને ધમકી આપવામાં આવી છે ક ેઆ ફિલ્મમાં તું જેનું પાત્ર ભજવી રહી છો તેના શું હાલ થાય હતા તે તને ખબર છે. તારા પણ એવા હાલ કરશું.
ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં કંગના સ્વ. વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે.
અન્ય એક વીડિયોમાં કંગનાની આ ફિલ્મ રીલિઝ થાય તો તેને સ્લીપરથી ફટકારવાની ચિમકી અપાઈ છે.
કંગનાએ જાતે પોતાને આવી ધમકીઓ મળી રહી હોવાનું સોશિયલ મીડિયા પર જણાવ્યું છે તથા મહારાષ્ટ્ર, દિલ્હી અને હિમાચલ પોલીસને તે વિશે જાણ પણ કરી છે.