લૈલા ખાન સહિત 5ની હત્યા માટે ઓરમાન બાપ પરવેઝને મૃત્યુદંડ
2011માં ઈગતપુરીના ફાર્મ હાઉસમાં લોહીયાલ ખેલ ખેલાયો હતો
સામૂહિક હત્યા અને પુરાવા નષ્ટ કરવાના ગુનાસર કસૂરવારઃ રેરેસ્ટ ઓફ રેર કેસ હોવાની કરેલી દલીલને માન્ય કરાઈ
મુંબઈ : અભિનેત્રી લૈલા ખાન અને પરિવારના અન્ય પાંચ સભ્યોની હત્યાના કેસમાં આરોપી પરવેઝ ટાકને કસૂરવ ઠેરવ્યા બાદ સેશન્સ કોર્ટે આજે મૃત્યુદંડની સજા સંભળાવી છે. એડિશનલ સેશન્સ જજ સચિન પવારે નવ મેના રોજ ટાકને હત્યા અને પુરાવા નષ્ટ કરવાના ગુનાસર કસૂરવાર ઠેરવ્યો હતો.
કેસને જવલ્લે બને તેની ઘટના ગણાવીને સરકારી પક્ષે આરોપી માટે મૃત્યુદંડની સજા માગી હતી. ૨૦૧૧માં અભિનેત્રી અને તેના પરિવારના પાંચ અન્ય સભ્યોની હત્યા બદલ ટાકને કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો.ટાક લૈલાનો ઔરમાન પિતા છે અને તેની માતાનો ત્રીજો પતિ હતો.
ફેબુ્રઆરી ૨૦૧૧ બાદ લૈલાનો પરિવાર ગુમ હતો. લૈલા (૩૦), તેની મોટી બહેન આઝમિના (૩૨), બે ભાઈ-બહેન ઝારા અને ઈમરાન (૨૫), કઝીન રેશ્મા અને શેલિના (૫૧) ગુમ થયા હતા. હત્યા અમાનવીય રીતે કરવામાં આવી હતી. મૃતકો નિસહાય હતા. તેમણે આરોપી પર વિશ્વાસ રાખ્યો હતો કેમ કે તે એમાંના એકનો પતિ હતો અને અન્યો માટે પિતાતુલ્ય હતો, એમ સરકારી વકિલ પંકજ ચવાણે દલીલ કરીને આરોપીને મૃત્યુદંડ આપવાનો આગ્રહ રાખ્યો હતો.
લૈલાના પિતાએ ગુમ થયાની
પોલીસ ફરિયાદ કરેલી
લૈલાના પિતા અને સેલિનાના પહેલા પતિ નાદીર પટેલે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં પુત્રી અને પાંચ પરિવારજનો ગુમ હોવાનું જણાવીને ટાક અને લૈલાના ઓરમાન પિતા આસિફ શેખ સામે આરોપ મૂક્યો હતો. પોલીસે પહેલાં આસિફને પકડયો હતો પણ બાદમાં તેને છોડીને ટાંકને હત્યા માટે જવાબદાર ઠેરવીને ગુનો નોંધ્યો હતો. ટાક પરિવારના સભ્યો સાથે છેલ્લે ઈગતપુરી જોવા મળ્યો હતો. લૈલાના મોબાઈલ ડેટા અનુસાર આ તેનું છેલ્લું સ્થળ હતું. હત્યા કર્યા બાદ ટાક કાશ્મીરમાં વતન નાસી ગયો હતો. ગુમ થવા પૂર્વે ખાન પરિવાર છેલ્લે લૈલાની માતા સેલિના પટેલના ત્રીજા પતિ ટાક સાથે ઈગતપુરીમાં જોવા મળ્યો હતો. પોલીસને શંકા હતી કે આરોપી ટાકે તેમની હત્યા કરી છે કેમ કે તેમની મિલકત હડપવા માગતો હતો. ટાક લૈલા અને અન્ય બહેનોને વેશ્યાવ્યવસાયમાં ધકેલવા માગતો હતો.
આઠ જુલાઈ ૨૦૧૨ના રોજ ટાકની ધરપકડ કાશ્મીરથી થઈ હતી. ઘટનાના એક વર્ષથી વધુ સમય બાદ જુલાઈ ૨૦૧૨માં ઈગતપુરી ખાતે લૈલા ખાનના ફાર્મ હાઉસની અંદર ખાડામાં દાટેલી અવસ્થામાં લૈલા સહિત પાંચ મૃતદેહ મળ્યા હતા.ઘટનાના થોડા દિવસો બાદ ફાર્મ હાઉસને આગ ચાંપી દેવાઈ હોવાનું જણાયું હતું.
તપાસ દરમ્યાન જમ્મુ અને કાશ્મીરમાં ફેરેસ્ટ કોન્ટ્રેક્ટર તરીકે કામ કરતા ટાકે કબૂલ્યું હતું કે અસુરક્ષાની ભાવનાથી તેણે લૈલા અને અન્ય પરિવારજનોની હત્યા કરી હતી. લૈલા ખાને વિતેલા જમાનાના સુપરસ્ટાર અને હાલ દિવંગત રાજેશ ખન્ના સાથેની ફિલ્મ સહિત અનેક ફિલ્મોમા ંકામ કર્યું હતું.
ઘટનાના દિવસે ઈગતપુરી
ફાર્મહાઉસમાં શું થયેલું?
સેશન્સ કોર્ટમાં રજૂ કરાયેલા આરોપનામા અનુસાર લૈલા અને અન્ય બહેનોને દુબઈ પ્રવાસમાંથી મળેલી રકમમાં હિસ્સો ટાકને નકારાતાં વાંધો ઉઠાવ્યો હતો. આથી તેણે તેમના ફાર્મ હાઉસમાં આખા પરિવારનો કાટો કાઢીને મિલકત હડપ કરવાનું કાવતરું ઘડયું હતું.ટાકે તકેદારી લીધી હતી કે તેનો સાથીદાર અને ફરાર આરોપી શાકીર હુસૈન વાણીને ફાર્મહાઉસમાં વોચમેન તરીકે રાખવામાં આવે. ખાન પરિવાર ટાક સાથે ફાર્મ હાઉસ પહોંયા બાદ સેલિના સાથે તેની દલીલો થઈ હતી જેના બાદ તેણે સેલિનાને વજનદાર હથિયારથી માથામાં માર્યું હતું. ટાકે ત્યાર બાદ બાકીના પાંચ સભ્યોને પણ વોચમેનની મદદથી મારી નાખ્યા હતા, એમ ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું.