સૂટકેસમાં લાશ પ્રકરણઃ મૃતક અર્શદની પત્ની રુકસાનાની ધરપકડ

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
સૂટકેસમાં લાશ પ્રકરણઃ મૃતક અર્શદની  પત્ની રુકસાનાની ધરપકડ 1 - image


ટ્વિસ્ટ પર ટ્વિસ્ટઃ બેલ્જિયમની વ્યક્તિને હત્યા દર્શાવતો વીડિયો કોલ થયો હતો

અર્શદ  સાથે પ્રેમ લગ્ન કરનારી રુકસાના પણ મૂકબધિરઃ જય સાથે અનૈતિક સંબંધ રચાયા બાદ અર્શદને માર્ગમાંથી હટાવી દેવા હત્યા કરાઈ

મુંબઇ : દાદર સ્ટેશને ટ્રેનમાંથી  લાશ ભરેલી સૂટકેસ સાથે મૂકબધિર યુવક પકડાયાના પ્રકરણમાં ટ્વિસ્ટ પર ટ્વિસ્ટ આવી રહ્યા છે. બે મૂકબધિર મિત્રોએ સાથે મળીને એક મૂકબધિર યુવકની હત્યા કરી હોવાના કેસમાં હવે પોલીસે મૃતક અર્શદ શેખની મૂકબધિર પત્ની રુકસાનાની પણ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવો ઘટસ્ફોટ થયો છે કે રુકસાના અને એક હત્યારા જય ચાવડા વચ્ચે અનૈતિક સંબંધ હતા અને તેમણે અર્શ નો કાંટો કાઢી નાખવા માટે સાથે મળીને આ હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. 

આ કેસમાં આ પહેલા અર્શદના બે મિત્ર જય ચાવડા અને શિવજીત સિંહની પોલીસે ધરપકડ કરી  ચુકી છે. હવે રુકસાનાની પણ ધરપકડ કરાઈ છે.  રુક્સાના પોતે પણ મૂક બધિર છે અને અર્શદ સાથે તેના પ્રેમલગ્ન થયા હતા.

આ સંદર્ભે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતક અર્શદ, જય ચાવડા અને શિવજીત સિંહ ત્રણેય જુના મિત્રો હતા અને અવારનવાર મળતા તેમજ દારુપાર્ટી કરતા. રવિવારે તેમણે અર્શદને ચાવડાના કીકા સ્ટ્રીટમાં આવેલ છત્રીવાલા મેન્શનમાં પાર્ટી કરવા આમંત્રિત કર્યો હતો. અર્શદ અહીં આવ્યા બાદ બંનેએ મળી તેને પ્રથમ નગ્ન કર્યો હતો અને તેના પર ચાકૂથી હુમલો કર્યો હતો. ત્યારબાદ તીક્ષ્ણ વસ્તુથી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આગળ જણાવ્યું હતું કે તેમના પાસે એક વીડિયો છે જેમાં હત્યાની  સમગ્ર ઘટના કેદ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનું મોબાઇલમાં ચાવડાએ રેકોર્ડિંગ કર્યું હતું. આ બાબતે પોલીસે વધુ વિગત આપતા સ્પષ્ટતા કરી હતી કે ચાવડા અને સિંહે બેલ્જિયમમાં રહેતા એક વ્યક્તિને વીડિયો કોલ કરી હત્યાની આ સમગ્ર ઘટના બતાવી હતી. આ વ્યક્તિ કોણ છે અને તેની આ કેસમાં શું ભૂમિકા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના બાદ સિંહ અને ચાવડાએ અર્શદની લાશને એક સૂટકેસમાં પેક કરી હતી અને કોકણમાં ક્યાંય નિકાલ કરવાના આશયથી ચાવડા ટેક્સીમાં દાદર આવ્યો હતો અને તૂતારી એક્સપ્રેસ પકડવાના પ્રયાસમાં ભારેખમ સૂટકેસ જોઇને પોલીસને તેના પર શંકા ગઇ હતી અને તે પકડાઇ ગયો હતો. ત્યારબાદ પોલીસ તેના મિત્ર સિંહની તેના ઉલ્હાસનગરના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. 

પોતે હત્યા ન કરી હોવાનું દર્શાવવા વીડિયો બનાવ્યો

જયે શિવજીતને મુખ્ય હત્યારો દર્શાવવા પોલીસને ગાળ ગોળ ફેરવી  

સાઈન લેંગ્વેજ એક્સપર્ટની મદદથી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો

શરૃઆતમાં આ બંનેએ પોલીસને નવી- નવી વાર્તા ઉપજાવી કાઢી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે સાઇન લેગ્વેજના જાણકારની મદદથી આ સમગ્ર કેસ ઉકેલી નાંખ્યો હતો. આ ઘટના બાદ ચાવડાએ અર્શદની હત્યા સિંહે કરી હોવાનો વ ીડિયો પોલીસને બતાવી પોતે નિર્દોષ હોવાનું અને સિંહના કહેવાથી આ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું જેથી તે સિંહને દોષિત ઠેરવી શકાય. જો કે પોલીસની તપાસમાં ચાવડાના મૃતક અર્શદની પત્ની રુક્સાના સાથે અનૈતિક સંબંધ હોવાનું બહાર આવતા પોલીસે એ દિશામાં તપાસ કરતા આ સમગ્ર કેસ ઉકેલાઇ ગયો હતો અને ચાવડા તેમજ રુક્સાનાએ સાથે રહેવા માટે અર્શદને રસ્તામાંથી હટાવવા આ સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું.

પોલીસના જણાવ્યા  અનુસાર ચાવડા અને મૃતક અર્શદની પત્ની રુક્સાનાએ અર્શદની હત્યાનું ષડયંત્ર  રચ્યું હતું અને સિંહને તેમા સામેલ કર્યો હતો. મૃતક તેની પત્ની અને આરોપી તમામ મૂક- બધિર હતા અને તેમનું એક વોટ્સએપ ગુ્રપ પણ હતું જેમાં બેલ્જિયમમાં રહેતી એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જેની હત્યાની ઘટના બતાવવામાં આવી હતી. આ વ્યક્તિની ભૂમિકાની પોલીસ વધુ તપાસ કરી રહી છે.



Google NewsGoogle News