Get The App

દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને દોડાવનારો દાઉદ હવે લાકડીને સહારે

Updated: Jan 4th, 2023


Google News
Google News
દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને દોડાવનારો દાઉદ હવે લાકડીને સહારે 1 - image


ગેન્ગરીનથી પીડાતા દાઉદ ઈબ્રાહિમના પગના બે આંગળા કાપી નખાયા

તબીબોના આગ્રહથી કરાચી હોસ્પિટલમાં પરાણે સર્જરીઃ જન્મદિન પણ ધામધૂમ વિના જૂજ લોકોની હાજરીમાં ઉજવ્યોે

મુંબઈ :  ૧૯૯૩માં મુંબઈ સીરીયલ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ અને મહાનગરીમાં અન્ડરવર્લ્ડ પર એક સમયે રાજ કરનારો દાઉદ ઈબ્રાહિમ આજે લાકડી વિના ચાલી નથી શકતો. ગેન્ગરીનને કારણે કરાંચીની હોસ્પિટલમાં તેના પગના બે આંગળા કાપી નાખવા પડયા છે.

બે વર્ષ અગાઉ નેપાળ ભાગવાની કોશિશ કરતા મુંબઈ પોલીસના હાથે ઝડપાયેલા દાઉદના એક સાગરીત એજાઝ લાકડાવાલાએ માહિતી આપી હતી કે દાઉદ ગેન્ગરીનથી પીડાઈ રહ્યો છે. જો કે એ સમયે દાઉદની નજીક ગણાતા છોટા શકીલે આ આ દાવાને ખોટો ગણાવ્યો હતો.

પણ સુરક્ષા એજન્સીઓના અહેવાલ મુજબ બે મહિના અગાઉ આ આતંકીના પગના બે આંગળા કાપી નાખવા પડયા હતા. સર્જરી માટે દાઉદની અનિચ્છા હતી પણ ડોક્ટરોના મતે સર્જરી ન કરવાથી તેની સ્થિતિ વધુ વણસી શકી હોત. આ સર્જરી કરાંચીની હોસ્પિટલમાં પાકિસ્તાનની ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલીજન્સ (આઈએસઆઈ)ની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.

આ સર્જરીને કારણે ડોનને હવે ચાલવાની તકલીફ પડી રહી છે. તેણે હવે લાકડીના સહારે ચાલવું પડે છે. તે કોઈ વાતે ઝડપથી હલનચલન નથી કરી શકતો. અગાઉની એક ગેંગસ્ટર જેવી શારીરિક ચપળતા હવે ગાયબ છે.  જો કે માનસિક રીતે તે હજી અગાઉ જેવો જ સતર્ક છે.

ડોનનો જન્મદિવસ ૨૬ ડિસેમ્બરે હતો પણ અગાઉથી વિપરીત આ વખતે તેની ઉજવણી અત્યંત શાંત રીતે કરાઈ હતી. પાકિસ્તાન સ્થિત માત્ર તેના નજીકના મિત્રોને મળવાની મંજૂરી અપાઈ હતી.

અગાઉના સમયમાં ઉચ્ચ લશ્કરી અધિકારીઓ સહિત પાકિસ્તાનના હાઈ સોસાયટીના તમામ લોકો તેમજ બોલીવૂડના કલાકારો પણ તેના જન્મદિવસમાં હાજરી પૂરાવા જતા હતા. અગાઉ તેના જન્મદિવસની પાકિસ્તાનના કરાંચી, લાહોર અને અન્ય શહેરોના ઉચ્ચ વર્ગમાં આતુરતાથી રાહ જોવાતી હતી. એ સમયે કરાંચીના પોશ વિસ્તાર ક્લિફટન સ્થિત ડિફેન્સ કોલોનીમાં આવેલા તેના મહેલ જેવા ઘરમાં જન્મદિવસની ઉજવણી થતી હતી.

પણ છેલ્લા થોડા વર્ષથી ક્લિફટન સ્થિત તેના ઘરમાં સુરક્ષા મજબૂત બનાવાઈ હતી. દિલ્હીની તિહાર જેલમાં બંધ તેના કટ્ટર શત્રુ છોટા રાજને દાઉદને જ્યારે ક્લિફટન હાઉસમાંથી અન્ય વિસ્તારમાં લઈ જવાતો હોય ત્યારે તેની હત્યા કરવાની યોજના બનાવી હોવાની ખબરથી તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

હાલ આ ગેન્ગસ્ટરે પોતાની મોટાભાગની સત્તા તેના ભાઈ અનીસ ઈબ્રાહિમ અને છોટા શકીલને સોંપી છે. થોડા વર્ષ અગાઉ જ્યારે બંને વચ્ચે મતભેદ સર્જાયા અને ગેન્ગમાં ભંગાણની શક્યતા ઊભી થઈ ત્યારે દાઉદે દખલગીરી કરીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

જો કે હવે આ ગેન્ગનું સંપૂર્ણ સંચાલન આઈએસઆઈના હાથમાં છે. શકીલ હવે ઓપરેશનલ બાબતોનો હવાલો સંભાળે છે, જ્યારે અનીસ ભારતીય ઉપખંડ, મધ્ય પૂર્વ અને યુરોપમાં ફેલાયેલા તેના ભાઈના વિશાળ બિઝનેસ સામ્રાજ્યની સંભાળ રાખે છે.

મુંબઈમાં અનેક બિલ્ડરો માત્ર એવા જ મકાનોનું રિડેવલપમેન્ટ હાથ ધરે છે જેનું તોડકામ માત્ર તેની ગેન્ગના સભ્યોને સોંપાયું હોય. તાજેતરમાં મુંબઈ પોલીસે તેની ગેન્ગ સાથે સંબંધ ધરાવતા એક તોડકામ કરનારા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી.


Tags :