દાઉદ ઇબ્રાહિમના સાગરિત દાનિશ ચિકનાની ડ્રગ્સ કેસમાં ધરપકડ
- અગાઉ રાજસ્થાનમાં ડ્રગ ફેક્ટરી કેસમાં ઝડપાયો હતો
- લાંબા સમયથી ફરાર ચિકના ડોંગરી વિસ્તારમાં દાઉદના ડ્રગ્સ ઓપરેશનનું સંચાલન કરતો હતો
મુંબઇ : ભારતના મોસ્ટ વોન્ટેડ ગોન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમના સાગરિત દાનિશ મર્ચન્ટ ઉર્ફે ચિકનાની મુંબઇ પોલીસે શુક્રવારે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી. દાનિશ ચિકનાની તેના સહ્યોગી કાદર ગુલામ શેખ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ચિકના મુંબઇના ડોંગરી વિસ્તારમાં કથિત રીતે દાઉદના ડ્રગ્સ ઓપરેશનનું સંચાલન કરતો હતો. ગયા મહિને ૮ નવેમ્બરના રોજ પોલીસે મોહમ્મદ આશિકુર રહેમાન અને રેહાન શકીલ અંસારીની ધરપકડથી શરૂ કરેલી લાંબી તપાસ બાદ ચિકના અને શેકની ધરપકડ કરવામાં આવી હતી.
ગયા મહિને ૮ નવેમ્બરના રોજ પોલીસે મરિન લાઇન્સ સ્ટેશન નજીકથી રહેમાનની ૧૪૪ ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. ત્યાર બાદ પૂછપરછમાં રહેમાને ખુલાસો કર્યો હતો કે ડ્રગ્સ ડોંગરીથી અંસારી પાસેથી મંગાવવામાં આવ્યું હતું. પોલીસે ત્યારબાદ અંસારીને પકડી પાડયો હતો. અને તેના પાસેથી ૫૫ ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અંસારીએ ખુલાસો કર્યો હતો કે તેણે આ ડ્રગ્સ દાનિશ ચિકના અને કાદિર ફંટા પાસેથી ખરીદ્યું હતું.
દાનિશ ચિકના અને કાદિર ફંટા છેલ્લા ઘણા સમયથી ફરાર હતા અને પોલીસ તેમને શોધી રહી હતી. અંતે પોલીસે આ બન્નેને ગુપ્ત માહિતીના આધારે જાળ બીછાવી ડોંગરી વિસ્તારમાંથી પકડી પાડયા હતા. પોલીસની પૂછપરછમાં આ બન્નેએ ડ્રગ્સ કેસમાં કેસમાં તેમની સંડોવણી હોવાનું કબૂલી લીધુ હતું. જોકેઆ પહેલીવાર નથી કે દાનિશ ચિકનાની ધરપક કરવામાં આવી હોય આ પહેલા પણ ડોંગરીમાં ધમધમતી દાઉદની ડ્રગ્સ ફેકટરી પ્રકરણે તેની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) એ તેની ધરપકડ કરી ડ્રગ્સ ફેકટરીનો પર્દાફાશ કર્યો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી તેણે ડ્રગ્સનો બિઝનેસ શરૂ કર્યો હોવાનું પોલીસની પૂછપરછમાં સ્પષ્ટ થયું હતું. આ પહેલા દાઉદ ઇબ્રાહિમના સાગરિત ચિંકુ પઠાણ અને આરીફ ભુજવાલાની પૂછપરછમાં તેનું નામ સામે આવ્યું હતું.
એક અહેવાલ મુજબ દાનિશ મર્ચન્ટ ઉર્ફે દાનિશ ચિકના દાઉદના એક ૮૦-૯૦ના દાયકાના સાગરિત યુસુફ મર્ચન્ટ (ચિકના)નો પુત્ર છે.